સોના અને રત્નના તે રથમાં બેઠેલી તે વિમાનમાં બેઠેલી દેવાંગના જેવી શોભતી હતી.
કૃતાંતવક્રે રથ ચલાવ્યો, તેના ચાલવાના સમયે સીતાને અપશુકન થયાં, સૂકા વૃક્ષ પર
કાગડો બેસીને વીરસ અવાજ કરતો હતો અને માથું ધુણાવતો હતો, અને સામે જતાં
અત્યંત શોકભરેલી કોઈ સ્ત્રી શિરના વાળ વિખરાયેલા અને રુદન કરતી સાંભળી, આવાં
અનેક અપશુકન થયાં તો પણ જિનભક્તિમાં અનુરાગી સીતા નિશ્ચળ ચિત્તે ચાલી ગઈ,
અપશુકનને ગણકાર્યાં નહિ. પહાડોનાં શિખર, કંદરા, અનેક ઉપવન ઓળંગીને શીઘ્ર રથ
દૂર ચાલ્યો ગયો, ગરુડ સમાન જેનો વેગ હતો એવા અશ્વોથી યુક્ત, સફેદ ધ્વજાથી
વિરાજિત સૂર્યના રથ સમાન તેમનો રથ શીઘ્ર ચાલ્યો. મનોરથ સમાન રથ પર બેઠેલી
સીતા ઇન્દ્રાણી સમાન શોભતી હતી. કૃતાંતવક્ર સેનાપતિએ માર્ગમાં સીતાને નાના પ્રકારની
ભૂમિ બતાવી; ગ્રામ, નગર, વન, કમળો જેમાં ખીલી ઊઠયાં છે એવાં સરોવરો, નાના
પ્રકારના વૃક્ષો, કયાંક સઘન વૃક્ષોથી વનમાં અંધકાર ફેલાયો છે, જેમ અંધારી રાતે
મેઘમાળાથી મંડિત ગાઢ અંધકારરૂપ ભાસે, કાંઈ દ્રષ્ટિગોચર ન થાય તેવાં વન તો ક્યાંક
કોક કોક વૃક્ષ હોય એવી ભૂમિ-જેમ પંચમકાળમાં ભરત ઐરાવત ક્ષેત્રની ભૂમિ વિરલ
સત્પુરુષોવાળી હોય-બતાવી, ક્યાંક વનમાં પાનખરની અસર થઈ છે તે ભૂમિ પત્રરહિત,
પુષ્પ-ફળાદિરહિત, છાયારહિત મોટા કુળની વિધવા સ્ત્રી જેવી દેખાય છે.
લતા આંબાના વૃક્ષ સાથે વીંટળાયેલી એવી શોભે છે જેવી ચપળ વેશ્યા, આમ્રવૃક્ષને
વળગી અશોકની વાંછા કરે છે. દાવાનળથી કેટલાંક વૃક્ષો બળી ગયાં છે તે જેમ ક્રોધરૂપ
દાવાનળથી બળેલું હૃદય શોભે નહિ તેમ શોભતાં નથી. કેટલાંક સુંદર પલ્લવો મંદ પવનથી
હાલતા શોભે છે જાણે કે વસંતરાજ આવવાથી વનપંક્તિરૂપ નારીઓ આનંદથી નૃત્ય જ
કરે છે. કેટલાંક ભીલો દેખાય છે. તેમના કકળાટથી હરણો દૂર ભાગી ગયાં છે અને પક્ષી
ઊડી ગયાં છે. કેટલીક વનની અલ્પજળવાળી નદીઓથી સંતોષ પામેલી વિરહી નાયિકાના
આંસુથી ભરેલી આંખો જેવી ભાસે છે. કેટલીક વની જાતજાતનાં પક્ષીઓના નાદથી
મનોહર અવાજ કરે છે અને કેટલીક ઝરણાઓના નાદથી તીવ્ર હાસ્ય કરે છે. ક્યાંક
મકરંદમાં લુબ્ધ ભ્રમરોના ગુંજારવથી જાણે કે વનની વસંતરાજાની સ્તુતિ જ કરે છે, ક્યાંક
વળી ફૂલોથી નમ્રીભૂત થઈ શોભા ધરે છે, જેમ સફળ પુરુષ દાતાર નમ્ર બનેલા શોભે છે.
ક્યાંક વાયુથી હાલતાં વૃક્ષોની શાખાઓ ડોલે છે, પર્ણો હાલે છે, પુષ્પો નીચે ખરી પડે છે
તે જાણે પુષ્પવૃષ્ટિ જ કરે છે. આવી શોભાવાળી વનભૂમિઓમાંની કેટલીકમાં ક્રૂર જીવો
ભર્યા છે તેને જોતી સીતા ચાલી જાય છે. તેનું ચિત્ત રામમાં છે, તે ક્યાંક મધુર શબ્દ
સાંભળી વિચારે છે જાણે - કે રામનાં દુંદુભિ વાજાં વાગે છે. આ પ્રમાણે વિચાર કરતી
સીતાએ ગંગા નદી જોઈ. ગંગામાં મત્સ્ય, મગર, કાચબા વગેરે જળચરો ફરે છે. તેમના
ફરવાથી ઊંચી લહેરો ઊઠે છે, કમળો ધ્રૂજે છે. તેના કાંઠા પરનાં વૃક્ષોને