હાથમાં લ્યો, અત્યંત નજીક આવતાં બાણનો સમય નથી. કોઈ કાયરને જોઈ કહે છે, તું
કેમ ધ્રુજે છે, હું કાયરને નહિ મારું, તો આઘો જા, આગળ મહાયોદ્ધા ઊભા છે તેની સાથે
લડવા દે. કોઈ નિરર્થક બરાડા પાડે છે તેને સામંતો કહે છે-હે ક્ષુદ્ર! શા માટે વૃથા ગાજે
છે. ગાજવામાં સામંતપણું નથી, જો તારામાં સામર્થ્ય હોય તો આગળ આવ, તારી યુદ્ધની
ભૂખ મટાડું. આ પ્રમાણે યોદ્ધાઓમાં પરસ્પર વચનાલાપ થઈ રહ્યો છે. તલવાર ઘૂમે છે.
ભૂમિગોચરી અને વિદ્યાધર બધા જ આવ્યા છે. ભામંડળ, વીર, પવનવેગ, મૃગાંક,
વિદ્યુદ્ધ્વજ ઈત્યાદિ મોટા મોટા વિદ્યાધરો મોટી સેના સહિત આવ્યા છે. તે બધા રણમાં
પ્રવીણ છે, પણ લવણ-અંકુશના સમાચાર સાંભળી યુદ્ધથી પરાઙમુખ શિથિલ થઈ ગયા
અને બધી બાબતોમાં પ્રવીણ હનુમાન પણ સીતા-પુત્રને જાણીને યુદ્ધથી શિથિલ થઈ
ગયો. વિમાનના શિખર પર બેઠેલી જાનકીને જોઈ બધા જ વિદ્યાધરો હાથ જોડી, મસ્તક
નમાવી, પ્રણામ કરી મધ્યસ્થ થઈ ગયા. સીતા બન્ને સેનાને જોઈને રોમાંચિત થઈ ગઈ,
તેનું શરીર ધ્રુજવા લાગ્યું. જેની ધ્વજા પવનથી ફરફરતી લહલહાટ કરે છે એવા લવણ-
અંકુશ રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. રામને સિંહની ધ્વજા છે, લક્ષ્મણને
ગરુડની ધ્વજા છે, બન્ને કુમાર યોદ્ધા રામ-લક્ષ્મણ સાથે લડે છે. આવતાં જ લવણે શ્રી
રામની ધ્વજા છેદી અને ધનુષ્ય તોડી નાખ્યું. પછી પ્રચંડ પરાક્રમી રામ બીજા રથ પર
ચડી ક્રોધથી ભૃકુટિ ચડાવી ગ્રીષ્મના સૂર્ય સમાન તેજસ્વી જેમ ચમરેન્દ્ર પર ઇન્દ્ર જાય તેમ
ગયા. જાનકીનંદન લવણ યુદ્ધની મહેમાનગતિ કરવા રામની સન્મુખ આવ્યો. રામ અને
લવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આણે એના શસ્ત્રો છેદ્યા, તેણે આનાં. જેવું રામ-લવણ
વચ્ચે યુદ્ધ થયું તેવું જ અંકુશ અને લક્ષ્મણનું થયું. આમ પરસ્પર બન્ને જોડી લડયા ત્યારે
પરસ્પર યોદ્ધાઓ પણ લડયા. ઘોડાઓ રણરૂપ સમુદ્રના તરંગ સમાન ઊછળતા હતા. કોઈ
યોદ્ધો પ્રતિપક્ષીનું તૂટેલું બખ્તર જોઈ દયાથી મૌન રહી ગયો, કેટલાક યોદ્ધાઓ ના પાડવા
છતાં પરસેનામાં પેઠા અને સ્વામીનું નામ ઉચ્ચારતાં પરચક્ર સાથે લડવા લાગ્યા, કેટલાક
સુભટો મત્ત હાથીઓ સાથે ભિડાયા, કેટલાક હાથીઓના દાંતરૂપ શય્યા પર સુખપૂર્વક
રણ-નિદ્રા લેવા લાગ્યા, કેટલાક મહાભટના અશ્વ મરી ગયા એટલે પગપાળા જ લડવા
લાગ્યા, કોઈનાં શસ્ત્ર તુટી ગયાં તો પણ પાછા ન ફર્યા, હાથ વડે મુષ્ટિપ્રહાર કરવા
લાગ્યા. કોઈ સામંત બાણ ચલાવવાનું ચૂકી ગયા, તેને પ્રતિપક્ષી કહેવા લાગ્યા કે ચલાવ
ફરીથી, તે લજ્જાથી ચલાવી ન શક્યા. કોઈ નિર્ભયચિત્ત પ્રતિપક્ષીને શસ્ત્રરહિત દેખી પોતે
પણ શસ્ત્ર તજી ભુજાઓથી યુદ્ધ કરવા લાગ્યા. તે યૌદ્ધાઓએ રણસંગ્રામમાં પ્રાણ આપ્યા.
પણ પીઠ ન દીધી. જ્યાં રુધીરનો કાદવ થઈ ગયો છે, રથનાં પૈડા ડૂબી ગયાં છે, સારથી
શીઘ્ર ચલાવી શકતા નથી, પરસ્પર શસ્ત્રોના પડવાથી અગ્નિ ખરી રહ્યો છે અને
હાથીઓની સૂંઢના છાંટા ઊછળે છે. સામંતોએ હાથીના કુંભસ્થળ વિદાર્યા છે, સામંતોના
ઉરસ્થળ વિદાર્યા છે, હાથી કામમાં આવી ગયા છે તેનાથી માર્ગ અટકી ગયો છે,
હાથીઓનાં મોતી વિખેરાઈ રહ્યા છે.