ઉદય હોય છે તે જ પ્રકારે થાય છે, ટાળ્યો ટળતો નથી, તો પણ એનો વિયોગ મારાથી
સહેવાશે નહિ. આ પ્રમાણે રામ ચિંતા કરે છે. કુંડમાં અગ્નિ પ્રજ્વલિત થયો, બધા લોકોની
આંખમાંથી આંસુનો પ્રવાહ ચાલ્યો, ધુમાડાથી અંધકાર થઈ ગયો, જાણે મેઘમાળા
આકાશમાં ફેલાઈ ગઈ. આકાશ કાળું બની ગયું, અગ્નિના ધુમાડાથી સૂર્ય ઢંકાઈ ગયો,
જાણે સીતાનો ઉપસર્ગ જોઈ ન શક્યો તેથી દયા લાવીને છુપાઈ ગયો. અગ્નિ એવી
સળગી કે એની જ્વાળા દૂર સુધી ફેલાણી જાણે અનેક સૂર્ય ઉગ્યા અથવા આકાશમાં
પ્રલયકાળની સંધ્યા ફૂલી. એમ લાગે છે કે દશે દિશા સ્વર્ણમય થઈ ગઈ છે. જાણે જગત
વીજળીમય થઈ ગયું અથવા સુમેરુ જીતવાને બીજો જંગમ સુમેરુ પ્રગટયો. પછી સીતા
ઊઠી. અત્યંત નિશ્ચળચિત્ત થઈ કાયોત્સર્ગ કરી પોતાના હૃદયમાં શ્રી ઋષભાદિ તીર્થંકર
બિરાજે છે તેમની સ્તુતિ કરી, સિદ્ધો અને સાધુઓને નમસ્કાર કરી, હરિવંશના તિલક શ્રી
મુનિસુવ્રતનાથ વીસમા તીર્થંકર જેમના તીર્થમાં એ ઉપજ્યા છે તેમનું ધ્યાન કરી, સર્વ
પ્રાણીઓનું હિત કરનાર આચાર્યને પ્રણામ કરી, સર્વ જીવોને ખમાવીને જાનકી બોલી-
મનથી, વચનથી, કાયથી સ્વપ્નમાં પણ શ્રી રામ વિના બીજા પુરુષને મેં જાણ્યો નથી. જો
હું જુઠ્ઠું બોલતી હોઉં તો આ અગ્નિની જ્વાળા ક્ષણમાત્રમાં મને ભસ્મ કરી નાખો. જો
મારા પતિવ્રતા ભાવમાં અશુદ્ધતા હોય, રામ સિવાય બીજા પુરુષની મેં મનથી પણ
અભિલાષા કરી હોય તો હે વૈશ્વાનર! મને ભસ્મ કરો. જો હું મિથ્યાદર્શી, પાપી,
વ્યભિચારિણી હોઉં તો આ અગ્નિથી મારો દેહ બળી જાવ. અને જો હું મહાસતી,
પતિવ્રતા, અણુવ્રતધારિણી શ્રાવિકા હોઉં તો મને ભસ્મ ન કરશો. આમ કહીને નમોકાર
મંત્ર જપીને સતી સીતાએ અગ્નિવાપિકામાં પ્રવેશ કર્યો અને એના શીલના પ્રભાવથી
અગ્નિ હતો તે સ્ફટિકમણિ જેવું નિર્મળ જળ થઈ ગયું, જાણે કે ધરતીને ભેદીને આ
વાપિકા પાતાળમાંથી નીકળી. જળમાં કમળ ખીલી રહ્યાં છે, ભમરા ગુંજારવ કરે છે,
અગ્નિની સામગ્રી બધી વિલય પામી, ન ઈંધન, ન અંગારા, જળનાં ફીણ ઊભરાવા
લાગ્યાં અને અતિ ગોળ ગંભીર વલય થવા લાગ્યાં, જેવો મૃદંગનો ધ્વનિ થાય તેવો
અવાજ જળમાં થવા લાગ્યો. જેવો ક્ષોભ પામેલો સમુદ્ર ગર્જન કરે તેવો અવાજ વાપિકામાં
થવા લાગ્યો. પછી પાણી ઊછળ્યું, પહેલાં ગોઠણ સુધી આવ્યું, પછી કમર સુધી આવ્યું,
નિમિષમાત્રમાં છાતી સુધી આવ્યું, ત્યારે ભૂમિગોચરી ડરી ગયા. આકાશમાં જે વિદ્યાધરો
હતા તેમને પણ વિકલ્પ ઉપજ્યો કે જોઈએ, શું થાય છે? પછી તે જળ લોકોના કંઠ સુધી
આવ્યું ત્યારે અત્યંત ભય ઉત્પન્ન થયો, શિર ઉપર પાણી ચાલ્યું ત્યારે ખૂબ જ ભયભૂત
બની ગયા. હાથ ઊંચા કરી વસ્ત્ર અને બાળકોને ઊંચકીને પોકાર પાડવા લાગ્યા-હે દેવી!
હે લક્ષ્મી! હે સરસ્વતી! હે કલ્યાણરૂપિણી! અમારી રક્ષા કરો. હે મહાસાધ્વી, મુનિ સમાન
નિર્મળ મનવાળી! દયા કરો. હે માતા! બચાવો, બચાવો, પ્રસન્ન થાવ. જ્યારે વિહ્વળ
જનોના મુખમાંથી આવા શબ્દ નીકળ્યા ત્યારે માતાની દયાથી જળ અટકયું, લોકો બચી
ગયા. જળમાં જુદી જુદી જાતનાં