પુત્રી, શ્રી રામચંદ્રની પટરાણી વિનયવતી, શીલવતી, પતિવ્રતાઓમાં અગ્રેસર થઈ. જેમ
ઇન્દ્રને શચિ, ચંદ્રને રોહિણી, રવિને રેણા, ભરત ચક્રવર્તીને સુભદ્રા તેમ રામને સીતા સુંદર
ચેષ્ટાવાળી છે. જે ગુણવતીનો ભાઈ ગુણવાન તે ભામંડળ થયો. શ્રી રામનો મિત્ર,
જનકરાજાની રાણી વિદેહાના ગર્ભમાં યુગલ બાળક થયા. ભામંડળ ભાઈ, સીતા બહેન,
બન્ને અતિમનોહર અને યજ્ઞબલી બ્રાહ્મણનો જીવ તું વિભીષણ થયો. જે બળદનો જીવ
નમોકાર મંત્રના પ્રભાવથી સ્વર્ગગતિ મનુષ્યગતિનાં સુખ ભોગવી આ સુગ્રીવ કપિધ્વજ
થયો. તું, ભામંડળ અને સુગ્રીવ પૂર્વભવની પ્રીતિથી તથા પુણ્યના પ્રભાવથી મહાન પુણ્યના
અધિકારી શ્રી રામના અનુરાગી થયા. આ કથા સાંભળી વિભીષણે વાલીના ભવ પૂછયા.
કેવળીએ કહ્યું-હે વિભીષણ! સાંભળ, રાગદ્વેષાદિ દુઃખોના સમૂહથી ભરેલો આ સંસાર
સાગર ચતુર્ગતિમય છે તેમાં વૃંદાવનમાં કાળિયાર મૃગે સ્વાધ્યાય કરતા સાધુના શબ્દો
સાંભળી અંતકાળે ઐરાવત ક્ષેત્રમાં દિત નામના નગરમાં વહિત નામના સુંદર ચેષ્ટાના
ધારક સમ્યગ્દ્રષ્ટિ પુરુષની સ્ત્રી શિવમતિની કૂખે મેઘદત્ત નામનો પુત્ર થયો. તે જિનપૂજામાં
ઉદ્યમી હતો, ભગવાનનો ભક્ત, અણુવ્રતનો ધારક, સમાધિમરણ કરીને બીજા સ્વર્ગમાં દેવ
થયો. ત્યાંથી ચ્યવીને જંબૂદ્વીપમાં પૂર્વ વિદેહની વિજયાવતીપુરીની સમીપે અતિ ઉત્સાહભર્યા
મત્તકોકિલા નામના ગ્રામના સ્વામી કાંતિશોકની પત્ની રત્નાંગિનીના પેટે સ્વપ્રભ નામનો
અતિસુંદર પુત્ર થયો, જેને શુભ આચાર ગમતા. તે જિનધર્મમાં નિપુણ સંયત નામના
મુનિ થઈ હજારો વર્ષ વિધિપૂર્વક અનેક પ્રકારનાં તપ કરતાં તેમનું મન નિર્મળ હતું. તે
તપના પ્રભાવથી અનેક ઋદ્ધિ ઉપજી તો પણ અત્યંત ગર્વરહિત સંયોગ સંબંધમાં મમતા
તજી ઉપશમશ્રેણી ધારી શુક્લધ્યાનના પહેલા પાયાના પ્રભાવથી સર્વાર્થસિદ્ધિ ગયા. ત્યાં
તેત્રીસ સાગર અહમિન્દ્રપદના સુખ ભોગવી રાજા સૂર્યરજનો વાલિ નામે પુત્ર થયો. તે
વિદ્યાધરોનો અધિપતિ, કિહકંધપુરનો ધણી, જેનો ભાઈ સુગ્રીવ ગુણવાન હતો તે જ્યારે
તેના પર રાવણ ચડી આવ્યો ત્યારે જીવદયાને અર્થે વાલીએ યુદ્ધ ન કર્યું, સુગ્રીવને રાજ્ય
આપી દિગંબર મુનિ થયા. તે જ્યારે કૈલાસ પર્વત પર બિરાજતા હતા અને રાવણ ત્યાંથી
નીકળ્યો, ક્રોધથી કૈલાસને ઊંચકવા તૈયાર થયો ત્યારે વાલી મુનિએ ચૈત્યાલયની ભક્તિથી
પગના અંગૂઠાથી ઢીલું દબાણ કર્યું અને રાવણ દબાવા લાગ્યો ત્યારે રાણીઓએ સાધુની
સ્તુતિ કરી અભયદાન અપાવ્યું. રાવણ પોતાના સ્થાનકે ગયો અને વાલી મહામુનિ ગુરુની
પાસે પ્રાયશ્ચિત્ત નામનું તપ લઈ, દોષનું નિરાકરણ કરી ક્ષપકશ્રેણી ચડી કર્મ બાળી
નાખ્યાં, લોકના શિખર પર સિદ્ધ ક્ષેત્ર છે ત્યાં ગયા, જીવનો નિજ સ્વભાવ પ્રાપ્ત થયો.
વસુદત્તને અને શ્રીકાંતને ગુણવતીના કારણે મહાન વેર થયું હતું તે અનેક ભવમાં બન્ને
પરસ્પર લડી લડીને મર્યા. રાવણના જીવને ગુણવતી અને વેદવતી પ્રત્યે અભિલાષા
ઉત્પન્ન થઈ હતી તે કારણે રાવણે સીતાને હરી અને વેદવતીના પિતા શ્રીભૂતિ સમ્યગ્દ્રષ્ટિ
ઉત્તમ બ્રાહ્મણને વેદવતીના અર્થે શત્રુએ હણ્યો તે સ્વર્ગમાં જઈ ત્યાંથી ચ્યવી પ્રતિષ્ઠિત
નામના નગરમાં પુનર્વસુ