Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 604 of 660
PDF/HTML Page 625 of 681

 

background image
૬૦૪ એકસો છમું પર્વ પદ્મપુરાણ
કરે છે તે અનંતકાળ સંસારવનમાં દુઃખ ભોગવે છે. સમ્યગ્દર્શનરૂપ રત્નનો મોટો ગુણ એ
જ છે કે બીજાનો અવગુણ સર્વથા ઢાંકે, જે બીજાનો સાચો દોષ પણ કહે તે અપરાધી છે.
અને અજ્ઞાનથી, મત્સરભાવથી બીજાનો જૂઠો દોષ પ્રગટ કરે તેના જેવો બીજો પાપી નથી.
પોતાના દોષ ગુરુની પાસે પ્રકાશવા અને બીજાના દોષ સર્વથા ઢાંકવા. જે પારકી નિંદા
કરે, તે જિનમાર્ગથી પરાઙમુખ છે.
કેવળીનાં આ પરમ અદ્ભુત વચનો સાંભળી સુર-અસુર મનુષ્ય બધા જ આનંદ
પામ્યા. વેરભાવના દોષ સાંભળી સભાના બધા લોકો મહાદુઃખના ભયથી અત્યંત
કંપાયમાન થયા. મુનિ તો સર્વ જીવો પ્રત્યે નિર્વેર છે. તેમણે તો અધિક શુદ્ધભાવ ધારણ
કર્યા અને ચતુર્નિકાયના બધા જ દેવોએ ક્ષમા પામી વેરભાવ ત્યજ્યા. અનેક રાજા
પ્રતિબોધ પામીને શાંતભાવ ધારણ કરી ગર્વનો ભાર તજી મુનિ અને શ્રાવક થયા અને જે
મિથ્યાવાદી હતા તે પણ સમ્યક્ત્વ પામ્યા. બધાય કર્મની વિચિત્રતા જાણીને નિશ્વાસ
નાખવા લાગ્યા. બધા આમ કહેવા લાગ્યા કે ધિક્કાર છે આ જગતની કાયાને! સુર-અસુર
મનુષ્ય હાથ જોડી, મસ્તક નમાવી કેવળીને પ્રણામ કરી વિભીષણની પ્રશંસા કરવા લાગ્યા
કે તમારા કારણે અમે કેવલીના મુખથી ઉત્તમ પુરુષોનાં ચરિત્ર સાંભળ્‌યાં. તમે ધન્ય છો.
પછી દેવેન્દ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર બધા જ આનંદભર્યા પોતાના પરિવારવર્ગ સહિત સર્વજ્ઞદેવની
સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન પુરુષોત્તમ! આ સકળ ત્રિલોક આપનાથી શોભે છે તેથી
આપનું સકળભૂષણ નામ સાર્થક છે-સત્યાર્થ છે. આપની કેવળદર્શન, કેવળજ્ઞાનમય નિજ
વિભૂતિ આખા જગતની વિભૂતિને જીતીને શોભે છે. આ અનંત ચતુષ્ટય લક્ષ્મી સર્વ
લોકનું તિલક છે. આ જગતમાં જીવ અનાદિકાળથી કર્મવશ થઈ રહ્યા છે. મહાદુઃખના
સાગરમાં પડયા છે. તમે દીનાનાથ, દીનબંધુ, કરુણાનિધાન જીવોને જિનરાજપદ આપો. હે
કેવળી! અમે ભવવનના મૃગ જન્મ, જરા, મરણ, રોગ, શોક, વિયોગ, વ્યાધિ અનેક
પ્રકારનાં દુઃખના ભોક્તા અશુભ કર્મરૂપ જાળમાં પડયા છીએ તેનાથી છૂટવું અત્યંત મુશ્કેલ
છે. ત્યારે આપ જ છોડાવવાને સમર્થ છો. અમને નિજબોધ આપો જેથી કર્મનો ક્ષય થાય.
હે નાથ! આ વિષયવાસનારૂપ ગહન વનમાં અમે નિજપુરીનો માર્ગ ભૂલી ગયા છીએ
અને આપ જગતના દીપક છો તેથી અમને શિવપુરીનો પંથ બતાવો. આત્મબોધરૂપ
શાંતરસના તરસ્યાને માટે આપ તૃષા દૂર કરનાર મહાન સરોવર છો, કર્મભર્મરૂપ વનને
બાળવા માટે સાક્ષાત્ દાવાનળરૂપ છો અને વિકલ્પ જાળરૂપ બરફથી કંપાયમાન જગતનાં
જીવોને શીતની વ્યથા દૂર કરવા આપ સાક્ષાત્ સૂર્ય છો. હે સર્વેશ્વર! સર્વભૂતેશ્વર!
જિનેશ્વર! આપની સ્તુતિ કરવા ચાર જ્ઞાનના ધારક ગણધરદેવ પણ સમર્થ નથી તો બીજો
કોણ હોય? હે પ્રભો! આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ, લક્ષ્મણ, વિભીષણ, સુગ્રીવ,
સીતા અને ભામંડળના પૂર્વભવોનું વર્ણન કરનાર એકસો છમું પર્વ પૂર્ણ થયું.