કે તે વખતે ત્યાં રાજા મધુનો જીવ ઇન્દ્ર હતો તેની પાસે આ આવ્યો. તે મધુનો જીવ
ભગવાન નેમિનાથ સ્વામીના સમયમાં અચ્યૂતેન્દ્રપદથી ચ્યવીને વાસુદેવની રૂકમણી
રાણીનો પુત્ર પ્રદ્યુમ્ન થયો અને તેનો ભાઈ કૈટભ જાંબુવતીનો શંબુ નામનો પુત્ર થયો.
શ્રેણિકે ફરીથી ગૌતમ સ્વામીને વિનંતી કરી-હે પ્રભો! હું તમારા વચનામૃત પીતાં ધરાતો
નથી. જેમ લોભી માણસ ધનથી તૃપ્ત થતો નથી. તેથી મને મધુનું અને તેના ભાઈ
કૈટભનું ચરિત્ર કહો. ગણધરે કહ્યું, સર્વ ધનધાન્યથી પૂર્ણ એક મગધ નામનો દેશ છે, ત્યાં
ચારે વર્ણ આનંદપૂર્વક રહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધક અનેક જીવો ત્યાં છે,
ભગવાનનાં સુંદર ચૈત્યાલયો, અનેક નગર-ગ્રામથી તે દેશ શોભે છે. ત્યાં નદીઓના તટ
પર, ગિરિઓનાં શિખર પર અને વનમાં ઠેકઠેકાણે સાધુઓના સંઘ બિરાજે છે. રાજા
નિત્યોદિત રાજ્ય કરે છે. તે દેશમાં એક શાલિ નામનું ગ્રામ છે તે નગર જેવું શોભતું. ત્યાં
સોમદેવ નામનો બ્રાહ્મણ તેની પત્ની અગ્નિલા અને પુત્રો અગ્નિભૂતિ, વાયુભૂતિ સાથે
રહે. આ બન્ને ભાઈ લૌકિક શાસ્ત્રમાં પ્રવીણ અને પઠનપાઠન, દાન, પ્રતિગ્રહમાં નિપુણ
હતા. પણ કુળના તથા વિદ્યાના ગર્વથી મનમાં એમ માનતા કે અમારાથી ચડિયાતું કોઈ
નથી. તે જિનધર્મથી વિપરીત, રોગ સમાન ઇન્દ્રિયોના ભોગને ભલા જાણતા. એક દિવસ
સ્વામી નંદીવર્ધન અનેક મુનિઓ સહિત વનમાં આવીને બિરાજ્યા. તે મોટા આચાર્ય હતા
અને અવધિજ્ઞાનથી સમસ્ત મૂર્તિક પદાર્થોને જાણતા. મુનિઓનું આગમન સાંભળી ગામના
બધા માણસો દર્શન કરવા જતા હતા. અગ્નિભૂતિ-વાયુભૂતિએ કોઈને પૂછયું કે આ લોકો
ક્યાં જાય છે? ત્યારે તેમણે કહ્યું કે નંદીવર્ધન મુનિ આવ્યા છે તેમનાં દર્શન કરવા જાય
છે. આ સાંભળી બન્ને ભાઈ ગુસ્સે થયા. તેમણે કહ્યું કે અમે વાદ કરીને સાધુઓને
જીતીશું. એમનાં માતાપિતાએ એમને વાર્યા કે તમે સાધુઓ સાથે વાદ ન કરો તો પણ
એમણે માન્યું નહિ અને વાદ કરવા ગયા. તેમને આચાર્યની પાસે જતાં જોઈ એક
સાત્ત્વિક નામના અવધિજ્ઞાની મુનિએ એમને પૂછયું તમે ક્યાં જાવ છો? તેમણે કહ્યું,
તમારામાં ઉત્તમ જે તમારા ગુરુ છે તેમને વાદમાં જીતવા જઈએ છીએ. સાત્ત્વિક મુનિએ
કહ્યું કે અમારી સાથે ચર્ચા કરો. ત્યારે એ ક્રોધથી મુનિની સમીપે બેઠા અને કહ્યું કે તું
ક્યાંથી આવ્યો છે? ઉત્તરમાં તેણે પણ ગુસ્સાથી કહ્યું, એ તેં શું પુછયું? અમે ગામમાંથી
આવ્યા છીએ, તમે કોઈ શાસ્ત્રની ચર્ચા કરો. ત્યારે મુનિએ કહ્યું, એ અમે જાણીએ છીએ.
તમે શાલિગ્રામથી આવ્યા છો. તમારા પિતાનું નામ સોમદેવ, માતાનું નામ અગ્નિલા અને
તમારાં નામ અગ્નિભૂતિ, વાયુભૂતિ છે. તમે વિપ્રકુળના છો એ તો પ્રગટ છે, પરંતુ અમે
તમને એ પૂછીએ છીએ કે અનાદિકાળના ભવવનમાં ભટકો છો તો આ જન્મમાં કયા
જન્મમાંથી આવ્યા છો? ત્યારે એમણે કહ્યું તમે અમને જન્માંતરની વાત પૂછી તે બીજું
કોઈ જાણે છે? મુનિએ કહ્યું કે હું જાણું છું. તમે સાંભળો. પૂર્વભવમાં તમે બન્ને ભાઈ આ
ગામના વનમાં પરસ્પર સ્નેહ રાખનાર વિરૂપ મુખવાળા શિયાળ હતા અને આ જ
ગામમાં એક ઘણા દિવસોનો