Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 613 of 660
PDF/HTML Page 634 of 681

 

background image
પદ્મપુરાણ એકસો નવમું પર્વ ૬૧૩
એમનામાં બ્રહ્મત્વ નથી. મુનિરાજને ધન્ય છે જે પરમ સંયમી, ક્ષમાવાન, તપસ્વી
જિતેન્દ્રિય, નિશ્ચયથી આ જ બ્રાહ્મ્ણ છે. આ સાધુ અતિભદ્ર પરિણામવાળા, ભગવાનના
ભક્ત, તપસ્વી, યતિ, ધીરવીર, મૂળગુણ ઉત્તરગુણના ધારક એમના જેવા બીજા કોઈ
નથી. એમનામાં અલૌકિક ગુણ છે. એમને જ પરિવ્રાજક કહીએ, કારણ કે જે સંસારને
છોડીને મુક્તિ પામે છે. આ નિર્ગ્રંથ અજ્ઞાનતિમિરના હર્તા, તપથી કર્મોની નિર્જરા કરે છે,
જેમણે રાગાદિનો ક્ષય કર્યો છે. પાપના નાશક છે તેથી તેમને ક્ષપણક પણ કહીએ છીએ.
આ સંયમી કષાયરહિત શરીરથી નિર્મોહ દિગંબર યોગીશ્વર, ધ્યાની, જ્ઞાની પંડિત નિસ્પૃહ
છે તે જ સદા વંદવા યોગ્ય છે. એ નિર્વાણને સાધે છે તેથી એમને સાધુ કહીએ અને
પંચાચારનું પોતે આચરણ કરે છે અને બીજા પાસે આચરણ કરાવે છે તેથી આચાર્ય
કહીએ અને આગાર એટલે કે ઘરના ત્યાગી છે તેથી તેમને
અણગાર કહીએ છીએ. શુદ્ધ
ભિક્ષાના ગ્રાહક છે તેથી ભિક્ષુક કહીએ, અતિ કાયકલેશથી અશુભકર્મના ત્યાગી, ઉજ્જવળ
ક્રિયાના કર્તા, તપ કરવામાં ખેદ માનતા નથી તેથી શ્રમણ કહીએ, આત્મસ્વરૂપને પ્રત્યક્ષ
અનુભવે છે તેથી મુનિ કહીએ, રાગાદિ રોગોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તેથી તેમને
યતિ કહીએ. આ પ્રમાણે લોકોએ સાધુની સ્તુતિ કરી અને આ બન્ને ભાઈઓની નિંદા
કરી. તેથી તે પ્રભાહીન, માનરહિત, ઉદાસ થઈ ઘેર ગયા અને રાત્રે તે પાપી મુનિને
મારવા માટે આવ્યા. તે સાત્ત્વિક મુનિ સંઘ તજીને એકલા સ્મશાનભૂમિમાં એકાંતમાં
વિરાજતા હતા. ત્યાં રીંછ, વ્યાધ્રાદિક દુષ્ટ જીવોનો અવાજ સંભળાતો હતો. રાક્ષસ, ભૂત,
પિશાચોથી તે સ્થાન ભરેલું છે, સર્પોનો ત્યાં નિવાસ છે, ભયંકર અંધકાર ફેલાયો છે. ત્યાં
જંતુરહિત શુદ્ધ શિલા પર કાયોત્સર્ગ ધરી ઊભા હતા. બન્ને પાપીઓએ તેમને જોયા.
બન્ને ભાઈ ખડ્ગ કાઢી ક્રોધાયમાન થઈ બોલ્યા કે ત્યારે તો તને લોકોએ બચાવ્યો, હવે
કોણ બચાવશે? અમે પંડિત પૃથ્વી પર પ્રત્યક્ષ દેવ તેને તું નિર્લજ્જ શિયાળ કહે. આમ
બોલી બન્ને અત્યંત પ્રચંડ હોઠ કરડતા, લાલ આંખ કરી મુનિને મારવા તૈયાર થયા.
ત્યારે વનના રક્ષક યક્ષે તેમને જોયા, મનમાં વિચારવા લાગ્યો કે જુઓ, આવા નિર્દોષ,
ધ્યાની, કાયા પ્રત્યે નિર્મમ સાધુને મારવા આ તૈયાર થયા છે. તેથી યક્ષે એ બન્ને ભાઈને,
ચોંટાડી દીધા, તે હલીચલી શકતા નહિ, બન્ને પાછળ ઊભા. સવાર થયું, બધા લોકોએ
આવીને જોયું કે તે બન્ને મુનિની પાછળ જમીન સાથે ચોંટીને ઊભા છે અને એમના
હાથમાં ખુલ્લી તલવાર છે. આથી બધા એમને ધિક્કારવા લાગ્યા કે આ દુરાચારી પાપી,
અન્યાયી આવું કાર્ય કરવા તૈયાર થયા. આના જેવા બીજા પાપી નથી. એ બન્ને ચિત્તમાં
વિચારવા લાગ્યા કે આ ધર્મનો પ્રભાવ છે, અમે પાપી હતા તેથી બળજોરીથી ચોંટી ગયા,
સ્થાવર જેવા અમને કરી નાખ્યા. હવે આ અવસ્થામાંથી જીવતા બચીએ તો શ્રાવકનાં વ્રત
આદરીએ. તે જ વખતે તેમનાં માતાપિતા આવ્યા, વારંવાર મુનિને પ્રણામ કરી વિનંતી
કરી-હે દેવ! આ અમારા કપૂતો છે, એમણે ઘણું ખરાબ કર્યું છે, આપ દયાળું છો, એમને
જીવનદાન આપો. ત્યારે સાધુએ કહ્યું-અમારે કોઈના ઉપર કોપ નથી, અમારા તો બધા
મિત્ર બાંધવ છે.