તમારું અને માતાઓનું ખૂબ વાત્સલ્ય છે અને એ જ બંધન છે. અમે તમારી કૃપાથી ઘણા
દિવસો સુધી અનેક પ્રકારનાં સુખ ભોગવ્યાં, અવશ્ય એક દિવસ તો અમારો અને તમારો
વિયોગ થશે જ એમાં સંદેહ નથી. આ જીવે અનેક ભોગ ભોગવ્યા, પરંતુ તૃપ્ત થયો નથી.
આ ભોગ રોગ
આપણો નથી. એના અર્થે આત્માનું કાર્ય ન કરવું એ વિવેકીઓને માટે યોગ્ય નથી. આ
શરીર તો આપણને તજશે તો આપણે જ તેના તરફ પ્રીતિ કેમ ન છોડીએ? પુત્રોનાં આ
વચન સાંભળી લક્ષ્મણ પરમ સ્નેહથી વિહ્વળ થઈ ગયા. એમને હૃદય સાથે ચાંપી, મસ્તક
ચૂમીને વારંવાર તેમની તરફ જોવા લાગ્યા અને ગદગદ વાણીથી કહ્યું-હે પુત્રો! આ
કૈલાસના શિખર સમાન હજારો સોનાના સ્તંભોવાળા મહેલમાં નિવાસ કરો, નાના
પ્રકારનાં રત્નોથી બનાવેલ આંગણામાં, મહાસુંદર મંજનશાળામાં સ્નાનાદિકની વિધિ થાય
છે. સર્વ સંપત્તિથી ભરેલી ભૂમિવાળા આ મહેલોમાં દેવો સમાન ક્રીડા કરો, તમારી
દેવાંગના સમાન દિવ્યરૂપધારી સ્ત્રીઓ અને શરદની પૂર્ણિમા જેવી જેમની પ્રજા છે, અનેક
ગુણોથી મંડિત છે, અનેક વાજિંત્રો વગાડવામાં, ગીત ગાવામાં, નૃત્ય કરવામાં નિપુણ છે,
જિનેન્દ્રની કથાની અનુરાગિણી અને પતિવ્રતા છે, તેમની સાથે વન, ઉપવન ગિરિ કે
નદીતટ પર નાનાવિધ ક્રીડા કરતાં દેવોની જેમ રમો. હે વત્સ! આવાં મનોહર સુખ તજી
જિનદીક્ષા લઈ વિષમ વન અને ગિરિશિખર પર કેવી રીતે રહેશો? હું તમારા પ્રત્યે
સ્નેહથી ભરેલો છું. આ તમારી માતા શોકથી તપ્તાયમાન થશે તેમને તજીને જવું તમારે
માટે યોગ્ય નથી. થોડાક દિવસ પૃથ્વીનું રાજ્ય કરો. પછી સ્નેહથી વાસનાથી જેમનું ચિત્ત
રહિત થયું છે તે કુમારો સંસારથી ભયભીત, ઇન્દ્રિયસુખોની પરાઙમુખ, આત્મતત્ત્વમાં
જેમનું ચિત્ત લાગ્યું છે તે ક્ષણભર વિચારીને બોલ્યા-હે પિતા! આ સંસારમાં અમારાં
માતાપિતા અનંત થયાં, આ સ્નેહનું બંધન નરકનું કારણ છે, આ ઘરરૂપ પિંજરું પાપારંભ
અને દુઃખ વધારનાર છે, મૂર્ખાઓ તેમાં રતિ માને છે, જ્ઞાની માનતા નથી. હવે અમને
કદી પણ દેહ સંબંધી અને મન સંબંધી દુઃખ ન થાય, નિશ્ચયથી એવા જ ઉપાય કરશું. જે
આત્મકલ્યાણ ન કરે તે આત્મઘાતી છે, કદાચ ઘર ન તજે અને મનમાં એમ માને કે હું
નિર્દોષ છું, મને પાપ નથી તો તે મલિન છે, પાપી છે. જેમ સફેદ વસ્ત્ર અંગના સંયોગથી
મલિન થાય છે તેમ ઘરના સંયોગથી ગૃહસ્થી મલિન થાય છે. જે ગૃહસ્થાશ્રમમાં રહે છે
તેમને નિરંતર હિંસા આરંભથી પાપ ઉપજે છે તેથી સત્પુરુષોએ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો
છે. તમે અમને કહો છો કે થોડાક દિવસ રાજ્ય ભોગવો તો તમે જ્ઞાની થઈને અમને
અંધારિયા કુવામાં નાખો છો, જેમ તૃષાતુર મૃગ પીવે અને તેને શિકારી મારે તેમ
ભોગોથી અતૃપ્ત પુરુષને મૃત્યુ મારે છે. જગતના જીવ વિષયની અભિલાષાથી સદા
આર્તધ્યાનરૂપ પરાધીન છે. જે કામ સેવે છે તે અજ્ઞાની, વિષ હરનારી જડીબુટ્ટી વિના
આશીવિષ સર્પ સાથે ક્રીડા કરે તે કેવી રીતે જીવે?