રાજન્! જે પાપી વિના વિચાર્યે કોઈ કામ કરે છે તેને પશ્ચાત્તાપ જ થાય છે. દેવો ચાલ્યા
ગયા અને લક્ષ્મણની સ્ત્રી પતિને અચેતનરૂપ દેખી પ્રસન્ન કરવા તૈયાર થઈ. કહે છે-હે
નાથ! કઈ અવિવેકિનીએ સૌભાગ્યના ગર્વથી અભિમાનીએ આપનું માન ન સાચવ્યું?
તેણે ઉચિત નથી કર્યું. હે દેવ! આપ પ્રસન્ન થાવ. તમારી અપ્રસન્નતા અમને દુઃખનું કારણ
છે. આમ કહીને તે અત્યંત પ્રેમભરી લક્ષ્મણના અંગ સાથે આલિંગન કરી તેના પગમાં
પડી. તે રાણીઓ ચતુરાઈનાં વચન કહેવામાં તત્પર કોઈ વીણા લઈ લગાડવા લાગી, કોઈ
મૃદંગ વગાડવા લાગી, કોઈ મધુર સ્વરે પતિના ગુણ ગાવા લાગી. તે સૌનું ચિત્ત પતિને
પ્રસન્ન કરવામાં ઉદ્યમી હતું. કોઈ પતિનું મુખ દેખે છે અને પતિનાં વચન સાંભળવાની
અભિલાષા રાખે છે. કોઈ નિર્મળ સ્નેહવાળી પતિના શરીરને વળગીને કુંડળમંડિત
અતિસુંદર કાંતિવાળા કપોલોને સ્પર્શ કરવા લાગી, કોઈ મધુરભાષિણી પતિનાં ચરણો
પોતાના શિર પર મૂકવા લાગી, કોઈ મૃતનયની ઉન્માદથી ભરેલી કટાક્ષરૂપ કમળપુષ્પનો
ઘૂમટો કરવા લાગી, આળસ મરડતી પતિનું વદન નિરખી અનેક ચેષ્ટા કરવા લાગી.
કમળોનાં વનની પેઠે ધ્રુજવા લાગી. પતિની આ દશા જોઈને સ્ત્રીઓનું મન અત્યંત
વ્યાકુળ બન્યું, સંશય પામી ગઈ કે ક્ષણમાત્રમાં આ શું થયું, ચિંતવી કે કહી શકાતું નથી,
આવા ખેદના કારણરૂપ શોકને મનમાં ધરીને તે મુગ્ધા મોહની મારી ફસાઈ પડી, ઇન્દ્રાણી
સમાન ચેષ્ટાવાળી તે રાણીઓ તાપથી સુકાઈ ગઈ. કોણ જાણે તેમની સુંદરતા ક્યાં ચાલી
ગઈ? આ વૃત્તાંત અંદરના લોકોના મુખે સાંભળીને શ્રી રામચંદ્ર મંત્રીઓ સહિત સંભ્રમથી
ભરેલા ભાઈ પાસે આવ્યા, અંદર રાજના માણસો પાસે ગયા. લક્ષ્મણનું મુખ પ્રભાતના
ચંદ્રમા સમાન મદકાંતિવાળું જોયું, કોઈ વૃક્ષ તત્કાળ મૂળમાંથી ઊખડી ગયું હોય તેવી
સ્થિતિમાં ભાઈને જોયા. મનમાં વિચારવા લાગ્યા આજે ભાઈ મારી સાથે વિના કારણે
રૂઠયા છે. એ સદા આનંદરૂપ હોય છે તે આજે કેમ વિષાદરૂપ થઈ ગયા છે? સ્નેહથી
ભરેલા તે તરત જ ભાઈની પાસે જઈ તેને ઊંચકી છાતી સાથે લગાવી મસ્તક ચૂમવા
લાગ્યા. દાહના મારવાળા વૃક્ષ સમાન હરિને જોઈને હળધર તેમના અંગને વળગી પડયા.
જોકે લક્ષ્મણને જીવનનાં ચિહ્નરહિત જોયા તો પણ સ્નેહથી પૂર્ણ રામે તેમને મરેલા માન્યા
નહિ. જેમની ડોક વાંકી થઈ ગઈ છે, જેમનું શરીર ઠંડું પડી ગયું છે, જગતની ભોગળ
જેવી ભુજાઓ શિથિલ થઈ ગઈ છે, શ્વાસોચ્છવાસ ચાલતા નથી, આંખની પલક ઉઘાડ
બંધ થતી નથી. લક્ષ્મણની આ અવસ્થા જોઈ રામ ખેદખિન્ન થઈ પરસેવાથી રેબઝેબ થઈ
ગયા. આ દીનોના નાથ રામ દીન થઈ ગયા, વારંવાર મૂર્ચ્છા ખાઈને પડયા, જેમનાં નેત્ર
આંસુથી ભરેલાં છે તે ભાઈના અંગને નીરખે છે, એના એક નખની પણ રેખા આવી
નહિ, આવા આ