આવ્યો, સરોવરનાં કમળો બિડાઈ ગયાં તેમ તમારા દર્શન વિના લોકોનાં મન મુદ્તિ થઈ
ગયાં છે. આ પ્રમાણે વિલાપ કરતાં કરતાં દિવસ પૂરો થયો, રાત્રિ પડી ત્યારે રાત્રે સુંદર
શય્યા બિછાવી ભાઈને ભુજાઓમાં લઈ સૂઈ ગયા. કોઈનો તેમને વિશ્વાસ નહોતો. રામે
બધા ઉદ્યમ છોડયા, એક લક્ષ્મણમાં મન છે, રાત્રે કાનમાં કહે છે-હે દેવ! હવે તો હું
એકલો છું, તમારા મનની વાત મને કહો, તમે કયા કારણે આવી અવસ્થા પામ્યા છો,
તમારું વદન ચંદ્રથી પણ અતિમનોહર હતું તે હવે કાંતિરહિત કેમ ભાસે છે? અને તમારાં
નેત્ર મંદ પવનથી ચંચળ નીલકમળ સમાન હતાં તે હવે બીજા રૂપે કેમ ભાસે છે? અહો,
તમારે જે જોઈએ તે લાવું. હે લક્ષ્મણ! આવી ચેષ્ટા કરવી તમને શોભતી નથી. મનમાં જે
હોય તેની મુખથી આજ્ઞા કરો અથવા સીતા તમને યાદ આવી હોય તો તે પતિવ્રતા
આપણા દુઃખમાં સહાયક હતી, પણ તે તો હવે પરલોકમાં ગઈ, તમારે ખેદ કરવો નહિ. હે
ધીર! વિષાદ ત્યજો, વિદ્યાધરો આપણા શત્રુ છે તે આપણી નબળાઈ જોઈને આવશે અને
હવે અયોધ્યા લૂંટાશે, તેથી યત્ન કરવો હોય તે કરો. હે મનોહર! તમે કોઈના તરફ ક્રોધ
કરતા ત્યારે પણ આવા અપ્રસન્ન તમને જોયા નથી, હવે આવા અપ્રસન્ન કેમ લાગો છો?
હે વત્સ! હવે આ ચેષ્ટા છોડો, પ્રસન્ન થાવ, હું તમારા પગે પડું છું, નમસ્કાર કરું છું, તમે
તો મહાવિનયવાન છો, આખી પૃથ્વીમાં આ વાત પ્રસિદ્ધ છે કે લક્ષ્મણ રામના આજ્ઞાકારી
છે, સદા સન્મુખ છે, કદી પરાઽમુખ નથી. તમે અતુલ પ્રકાશવાળા જગતના દીપક છો,
એવું કદી ન થાય કે કાળરૂપ વાયુથી ઓલવાઈ જાઓ. હે રાજાઓના રાજા! તમે આ
લોકને અતિઆનંદરૂપ કર્યો છે, તમારા રાજ્યમાં કોઈને અચેન નથી. ભરત ક્ષેત્રના તમે
નાથ છો, હવે લોકોને અનાથ કરીને ચાલ્યા જવું યોગ્ય નથી, તમે ચક્રથી શત્રુઓનાં સકળ
ચક્ર જીત્યાં, હવે કાળચક્રનો પરાભવ કેવી રીતે સહી શકો છો? તમારું આ સુંદર શરીર
રાજ્યલક્ષ્મીથી જેવું શોભતું હતું તેવું જ મૂર્ચ્છિત થયેલું શોભે છે. હે રાજેન્દ્ર! હવે રાત્રિ
પૂર્ણ થઈ, સંધ્યા ખીલી, સૂર્યોદય થઈ ગયો. હવે તમે નિદ્રા તજો, તમારા જેવા જ્ઞાતા, શ્રી
મુનિસુવ્રતનાથના ભક્ત, પ્રભાતનો સમય કેમ ચૂકી જાવ છો? જે ભગવાન વિતરાગદેવે
મોહરૂપ રાત્રિને હરી લોકાલોકને પ્રગટ કરનારા કેવળજ્ઞાનરૂપ પ્રતાપ પ્રગટ કર્યો, તે
ત્રણલોકના સૂર્ય ભવ્યજીવરૂપ કમળોને વિકસાવનારનું શરણ કેમ સેવતા નથી? જોકે
પ્રભાતનો સમય થયો છે, પરંતુ મને અંધકાર જ ભાસે છે, કેમ કે હું તમારું વદનકમળ
ખીલેલું, હસતું જોતો નથી. તેથી હે વિચક્ષણ! હવે નિદ્રા છોડો. જિનપૂજા કરી સભામાં
બેસો, બધા સામંતો તમારા દર્શન માટે ઊભા છે. મહાન આશ્ચર્ય છે કે સરોવરમાં તો
કમળ ખીલ્યાં, પણ તમારું વદનકમળ ખીલેલું હું જોતો નથી, આવી વિપરીત ચેષ્ટા તમે
હજી સુધી કદી પણ કરી નથી, ઊઠો, રાજ્યકાર્યમાં મન જોડો. હે ભ્રાત! તમારી દીર્ઘનિદ્રાથી
જિનમંદિરની સેવામાં ખામી આવી છે, આખા નગરમાં મંગળ શબ્દો અટકી ગયા છે, ગીત,
નૃત્ય, વાજિંત્રાદિ બંધ થઈ ગયાં છે. બીજાઓની શી વાત? જે મહાવિરક્ત મુનિરાજ