પ્રસ્તાવના
આ અવસર્પિણી કાળમાં ઉત્પન્ન થયેલ ત્રેસઠ શલાકા પુરુષોમાં તીર્થંકરોના જેવું જ રામનું
નામ અત્યંત પ્રસિદ્ધ છે અથવા આમ કહેવું કે ભારતવર્ષમાં ઉત્પન્ન થયેલા મહાપુરુષોમાં રામનું
નામ જ સૌથી વધારે લોકો દ્વારા લેવાય છે તો તે અત્યુક્તિ નહિ ગણાય. રામનું નામ આટલું
બધું પ્રસિદ્ધિ કેમ પામ્યું? લોકો વાતવાતમાં રામની મહત્તા કેમ માને છે અને અત્યંત શ્રદ્ધા તથા
ભક્તિ સહિત રામ-રાજ્યનું સ્મરણ કેમ કરવામાં આવે છે? આ પ્રશ્નો પર આપણે જ્યારે
ઊંડાણથી વિચારીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે રામના જીવનમાં એવી અનેક ઘટનાઓ બની
છે કે જેનાથી તેમનું નામ પ્રત્યેક ભારતીયની રગેરગમાં સમાઇ ગયું છે, તેમનું પવિત્ર ચરિત્ર
લોકોના હૃદયમાં અંકિત થઈ ગયું છે અને એજ કારણે તેઓ આટલા લોકપ્રિય મહાપુરુષ સિદ્ધ
થયા છે.
રામના ગુણોની ગાથા તેમના જીવનકાળમાં જ લોકો દ્વારા ગવાતી હતી. કહેવાય છે કે
ભારતવર્ષનું આદિ કાવ્ય વાલ્મીકિ-રામાયણ તેમના જીવન-કાળમાં જ રચાયું હતું અને મહર્ષિ,
વાલ્મીકિએ તે લવ અને કુશને શિખવ્યું હતું. જે હોય તે પરંતુ આટલું નિશ્ચિત છે કે રામનું
ચરિત્રચિત્રણ કરનાર ગ્રંથોમાં વાલ્મીકિ-રામાયણ આદિ ગ્રંથ છે. જેનું સૌથી મોટું પ્રમાણ સ્વયં આ
પદ્મપુરાણની તે ભૂમિકા છે જેમાં રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયો છે કેઃ-
श्रूयन्ते लौकिके ग्रन्थे राक्षसा रावणादयः । वसाशोणितमांसादिपानभक्षणकारिणः।।
અર્થાત્-લૌકિક ગ્રંથમાં એવું સાંભળવામાં આવે છે કે રાવણાદિ રાક્ષસ હતા. અને તે
માંસ, ચરબી આદિનું ભક્ષણ કરતાં અને લોહી પીતા હતી. યાદ રાખવાનું કે અહીં લૌકિક ગ્રંથનો
અભિપ્રાય વાલ્મીકિ-રામાયણનો છે આથી પણ વધારે પુષ્ટ પ્રમાણ એના આગળના શ્લોક છે.
જેમાં પદ્મપુરાણકારે અત્યંત દુઃખ પ્રગટ કરતાં કહ્યું છે કે -
अहो कुकविभिर्मूर्खे र्विद्याधरकुमारकम्। अभ्याख्यानमिदं नीतो दुःकृतग्रन्थकच्छकैः।।
एवंविधंकिल ग्रन्थं रामायण मुदाहृतम्। श्रृण्वतां सकलं पापंक्षयमायाति तत्क्षणात्।।
અર્થાત્ - આશ્ચર્ય છે કે મૂર્ખ કવિઓએ શ્રેષ્ઠ વિદ્યાધરોનું ચરિત્ર આ પ્રમાણે વિરૂપ
ચીતર્યુ છે, આ પ્રમાણે આ ગ્રંથ રામાયણ નામથી પ્રસિદ્ધ છે જેને સાંભળતાં સાંભળનારના સર્વ
પાપ ક્ષણવારમાં નાશ પામે છે.
આ ઉલ્લેખથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરના સમયમાં પણ વાલ્મીકિ-રામાયણનો ખૂબ
પ્રચાર હતો અને લોકો માનતા હતા કે તેનું શ્રવણ કરવાથી પોતાના પાપોનો ક્ષય થાય છે.
પદ્મપુરાણની રચનાનો આધાર
પદ્મપુરાણની રચનાનો આધાર વિદ્વાનો ‘पउमचरिउ’ ને માને છે. એ ગ્રંથ ભગવાન
મહાવીરના નિર્વાણ પછી લગભગ ૪પ૦ વર્ષે રચાયો હતો, તેમાં પણ આજ જાતનો ઉલ્લેખ છે તેથી
એજ સિદ્ધ થાય છે કે તે સમયે વાલ્મીકિ-રામાયણ જન સાધારણમાં અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ હતો અને
તેમાં ઉપસાવવામાં આવેલ રામ રાવણનું ચરિત્રજ લોકો સાચું માનતા હતા, રામ અને રાવણના
ચરિત્ર-વિષયક ભ્રાંતિ દૂર કરવા માટે ‘पउमचरिउ’ અને પ્રસ્તુત પદ્મચરિતની રચના થઈ છે.
(૧)