૨પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
અનુભવ રહી ગયો છે. ગાથા ૧૭-૧૮માં આવે છે કે ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણાનંદ પ્રભુ બાળગોપાળ સર્વમાં બિરાજે છે. બાળગોપાળ તો દેહની અવસ્થા છે, પણ અંદર જ્ઞાયક પ્રભુ ત્રિકાળ છતી ચીજ બિરાજે છે. તે જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાયમાં જાણવામાં આવે છે. પણ અજ્ઞાનીની ત્યાં દ્રષ્ટિ નથી તેથી તે પોતાને માનતો નથી, તેને અનાદિથી રાગનું જ, શુભાશુભભાવનું પરિગ્રહણ છે. અહીં કહે છે કે ભાઈ! રાગનું ગ્રહણ તો અનંતવાર કર્યું, પણ એ તો અભૂતાર્થ ચીજ છે. ભગવાન આત્મા જ એક ભૂતાર્થ છે. એ ભૂતાર્થના પરિગ્રહથી- આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે.
ચોથી ગાથામાં કહ્યું છે કે-રાગની કથા, બંધનની કથા તો અનંતવાર સાંભળી છે, એનો પરિચય અને એનો અનુભવ પણ અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. અહીં કહે છે કે ભગવાન! એક વાર ગુલાંટ ખા. પ્રભુ! એક વાર પલટો ખા. ભૂતાર્થને પકડીને ભૂતાર્થનો અનુભવ કર. જ્ઞાનની પર્યાયમાં ભૂતાર્થનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે, અને તે ભૂતાર્થનય છે. અરે ભાઈ! આ મનુષ્યપણું મળ્યું અને ભગવાન આત્માનો પાકો નિર્ણય અને અનુભવ ન કર્યો તો જિંદગી એમ ને એમ વ્યર્થ ચાલી જશે. જેવી પોતાની ચીજ છે તેને અનુસરીને તેનો અનુભવ કરવો એ જ કરવા યોગ્ય છે.
કોઈ કહે છે કે દિગંબર છે તેને સમકિત તો છે, ભેદજ્ઞાન તો છે. હવે વ્રત ધારણ કરે તો ચારિત્ર થઈ જાય. એમ ન હોય પ્રભુ! લોકોને નિશ્ચય સમકિતની ખબર નથી અને બહારની તત્ત્વાર્થ-શ્રદ્ધા, વ્યવહાર-શ્રદ્ધાના રાગને ધર્મ માને છે. પણ માર્ગ એમ નથી, ભાઈ! ઊંધું માનવામાં તો આત્માની છેતરપીંડી છે. પૂર્ણાનંદના નાથ ભગવાન આત્માનો જ્યાં અનુભવ નથી ત્યાં જે ક્રિયાકાંડ છે તે બધો અજ્ઞાનભાવ છે, સંસારભાવ છે. બહારથી ઉપવાસાદિ કરે પણ એ બધાં બાળતપ છે. આવી ક્રિયા તો અનંતકાળમાં જીવે અનંતવાર કરી, પણ મિથ્યાત્વ ટળ્યું નહિ તો શું કર્યું? આવી વાત આકરી લાગે પણ શું થાય? આચાર્યદેવ કહે છે કે એકવાર ભૂતાર્થ પદાર્થ તારી પરમાર્થ ત્રિકાળી ધ્રુવ વસ્તુનો અનુભવ કર.
કળશટીકામાં આવે છે કે પઠનપાઠન, પંચપરમેષ્ઠીનું સ્મરણ, ચિંતન, સ્તુતિ ઇત્યાદિ બધું તો જીવે અનંતવાર કર્યું છે. લોકોને બિચારાઓને અભ્યાસ નહિ; ઉપરથી થોડું સાંભળી લે, નિર્ણય કરે નહિ અને અહોનિશ વેપારધંધા ઇત્યાદિ અશુભમાં વ્યર્થ સમય ગાળે. પણ ભાઈ! તું કયાં જઈશ એ વિચારતો નથી! ત્યાં રળવા માટે જેટલો પ્રયત્ન કરે છે તેથી અધિક આ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અન્યથા માથે અનંત સંસારની ડાંગ ઊભેલી જ છે.
જો ગુલાંટ ખાય તો એક ક્ષણમાં ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ (કળશ ૩૪માં) કહ્યું છે કે-છ માસ અભ્યાસ કર. એક-