Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1099 of 4199

 

૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ભાવ પુદ્ગલની અવસ્થા છે એમ અહીં કહે છે; કેમકે શુભરાગથી પુદ્ગલકર્મ બંધાય છે અને તેના ફળમાં પુદ્ગલના સંયોગો મળે છે.

વાત તો આ છે પણ લોકોને મળી ન હતી એટલે નવી લાગે છે; પણ આ વાત નવી નથી. ભાઈ! આ તો અનાદિની ચીજ છે અને અનંત તીર્થંકરોએ કહેલી છે. વિભાવથી વિમુખ થઈ સ્વભાવસન્મુખ થતાં રાગથી આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થાય છે. ત્યારે તે પોતાને જ્ઞાતા જાણે છે. ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થયા પછી ધર્મીને રાગ આવે છે, સુખદુઃખની કલ્પના થાય છે, વ્યવહાર હોય છે પણ તે તેનો જાણનાર જ્ઞાતાદ્રષ્ટા કહે છે.

આત્મા સદા વીતરાગસ્વભાવી છે અને વીતરાગતા પ્રગટ કરવી તે મોક્ષમાર્ગ છે. રાગ કે જે પુદ્ગલની અવસ્થા છે તે વીતરાગતાનું કારણ કેમ થાય? અરે! જેને વ્યવહારની યથાર્થ સમજણ નથી તેને નિશ્ચયની પ્રાપ્તિ કેમ થઈ શકે? નિશ્ચય છે તેને વ્યવહાર હોય છે. જ્ઞાનીને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ વ્યવહાર હોય છે પણ એ તેનો જ્ઞાતા-જાણનારો છે. વ્યવહાર મારો છે એમ જ્ઞાની માનતા નથી. ભેદજ્ઞાન થાય ત્યારે જીવ પોતાને જ્ઞાતા જાણે છે અને રાગદ્વેષને પુદ્ગલ જાણે છે. રાગ પોતાની ચીજ નથી પણ પોતાથી ભિન્ન છે એમ તે જાણે છે.

અહાહા...! વસ્તુ ચૈતન્યસ્વભાવ જ્ઞાયકભાવ એકલા આનંદથી ભરેલો છે. આત્મા નિત્યાનંદ, સહજાનંદ, પરમાનંદસ્વરૂપ પ્રભુ છે. તેનું રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન કર્યું તે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા રાગ અને સુખદુઃખની કલ્પનાને જ્ઞાતાપણે જાણે છે, તેને પોતાની ચીજ અને પોતાનું કર્તવ્ય માનતા નથી.

૯૨મી ગાથામાં અજ્ઞાનીની વાત કરી છે. અજ્ઞાની જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. અહીં ગાથા ૯૩માં જ્ઞાનીની વાત છે. ધર્મી જીવ જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. ધર્મી રાગનો કર્તા નથી પણ જ્ઞાતાદ્રષ્ટા છે. સમકિતી ચક્રવર્તી રાજા હોય, લડાઈમાં પણ જાય, તેને લડાઈનો વિકલ્પ આવે પણ તે વિકલ્પનો તે જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી. આવી વાત છે. લ્યો, ૯૩ પૂરી થઈ.

[પ્રવચન નં. ૧પ૯, ૧૬૦, ૧૬૧ ચાલુ * દિનાંક ૧૮-૮-૭૬ થી ૨૦-૮-૭૬]