પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ફળ તો ચાર ગતિની રખડપટ્ટી છે. આવું ગાંડપણ ભેદજ્ઞાન વડે જ દૂર થાય છે. પરમાં સુખબુદ્ધિ છે તેથી પરને પોતાનું માનવારૂપ ભાવ છે. પરંતુ શુદ્ધ ચૈતન્યમય સુખધામ એવા સ્વરૂપમાં સુખબુદ્ધિ થતાં પરને પોતાનું માનવારૂપ ગાંડપણ દૂર થઈ જાય છે. મનુષ્યભવની સાર્થકતા વિચારી હે ભાઈ! ભેદજ્ઞાન પ્રગટ કર.
અજ્ઞાની રાગને અને પોતાને એક કરતો થકો અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. જુઓ, પુણ્ય અને પાપના ભાવ પોતાના અવિકાર અનુભૂતિમાત્ર ભાવકને અનુચિત ભાવ્ય છે. ભગવાન આત્મા નિર્મળ જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. તેને તો સમ્યગ્દર્શન-જ્ઞાન અને અતીન્દ્રિય આનંદની નિર્મળ અવસ્થારૂપે થવું શોભે. નિર્મળ વીતરાગી શાન્તિનું વેદન કરવું એ જ તેનું ઉચિત ભાવ્ય છે. જેમ ભૂતની ચેષ્ટા તે મનુષ્યને યોગ્ય ચેષ્ટા નથી તેમ પુણ્ય-પાપના ભાવની જે ચેષ્ટા થાય તે ભગવાન આત્માને યોગ્ય ચેષ્ટા નથી. તે અનુભૂતિસ્વરૂપ ભાવકનું અનુચિત ભાવ્ય છે. પુણ્યપાપના ભાવની ચેષ્ટા પ્રગટ થતાં જેવું નિર્વિકાર ચૈતન્યસ્વરૂપ છે તેવી નિર્વિકારી અવસ્થા ન રહેતાં ચૈતન્યની પર્યાયમાં વિકારનું મિશ્રિતપણું થઈ જાય છે.
અજ્ઞાનીને ક્રોધાદિ ભાવો, પુણ્યપાપના ભાવો પોતાના ભાસે છે, પણ તે ભાવોથી ભિન્ન હું ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયક છું એમ તેને ભાસતું નથી. હું તો મારા નિર્મળ જ્ઞાન-સુખાદિ સ્વરૂપનો અનુભવ કરનાર છું એમ અજ્ઞાનીને પોતાનું સ્વરૂપ ભાસતું નથી. તેથી તે પોતાથી એકરૂપ કહેલા પુણ્ય-પાપ આદિ વિકારી ભાવોનો, સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. આવો માર્ગ લોકોને સાંભળવો પણ કઠણ પડે તો તે પોતામાં પ્રગટ કેમ કરીને કરે? અહો! જેના જન્મ-મરણનો અંત નજીક આવી ગયો છે તેને જ આ વાત બેસે એમ છે.
આ પ્રમાણે ૯૪મી ગાથામાં સોળ બોલ દ્વારા જે કહ્યા તે સઘળા સવિકાર ચૈતન્યપરિણામનો અજ્ઞાની કર્તા પ્રતિભાસે છે, કેમકે તેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભાસતું નથી. તેના કર્તાપણાનું મૂળ અજ્ઞાન છે એમ અહીં સિદ્ધ કર્યું.
હવે છ દ્રવ્યને મારાં માને છે એ સોપાધિક ચૈતન્યપરિણામનું સ્વરૂપ સમજવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહે છે-
‘વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો ‘‘હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું’’ એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ચ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે....’