સમયસાર ગાથા-૯૭ ] [ ૭૩ સ્વપરને એકપણે જાણે છે અને તેથી ‘હું ક્રોધ છું’ ઇત્યાદિ આત્મવિકલ્પ કરે છે. તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક શુભાશુભ રાગના વિકલ્પરૂપે પરિણમતો તે કર્તા પ્રતિભાસે છે.
દ્વેષમાં ક્રોધ અને માન સમાય છે અને રાગમાં માયા અને લોભ આવી જાય છે. પોતાના ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગમાં તન્મય થાય તેને આત્મા પ્રતિ દ્વેષ-ક્રોધ છે. જે સ્વભાવદ્રષ્ટિથી ખાલી છે અને શુભરાગની દ્રષ્ટિથી સહિત છે તેણે પોતાને કષાયરૂપ કરી દીધો છે. સ્વપરને એકપણે માનનારો તે હું ક્રોધ છું, માન છું, માયા છું, લોભ છું, દેહ છું, રૂપાળો છું, ગોરો છું, ધોળો છું ઇત્યાદિ પર વસ્તુમાં આત્મવિકલ્પ કરે છે. અને તેથી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માથી ભ્રષ્ટ થયો થકો તે અનેક વિકલ્પરૂપે પરિણમતો તે તે વિકલ્પનો કર્તા થાય છે.
ભગવાન આત્મા નિર્વિકલ્પ, અકૃત્રિમ, વિજ્ઞાનઘનસ્વભાવરૂપ છે. તથા રાગને પોતાનો જે માને તે નિજ નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ છે. શુભરાગના ક્રિયાકાંડથી ધર્મ થાય એમ માને તે ભગવાન ચૈતન્યસ્વભાવી આત્માથી ભ્રષ્ટ છે. ધર્મ વસ્તુ બહુ સૂક્ષ્મ છે ભાઈ! અહા! જૈનદર્શનમાં સમ્યગ્દર્શન શું છે એની લોકોને ખબર નથી. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર હોતાં નથી. આત્મા અને અનાત્માના ભેદજ્ઞાન વિના સમસ્ત ક્રિયાકાંડ અર્થહીન છે, દુઃખનો આકુળતાનો સ્વાદ ઉપજાવનારા છે. ભાઈ! ક્રિયાકાંડથી ધર્મ થાય એ માન્યતા હવે જવા દે અને સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ કર. અરે ભાઈ! જન્મમરણનો અંત લાવવાની આ વાત છે.
પ્રશ્નઃ– કળશટીકામાં (ચોથા કળશમાં) તો એમ કહ્યું છે કે-‘કાળલબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તોપણ જીવ સમ્યક્ત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. આથી જાણવું કે સમ્યક્ત્વવસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે.’
ઉત્તરઃ– ભાઈ! ત્યાં કળશટીકામાં કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરી છે. પણ એનો અર્થ શું? એનો અર્થ એ છે કે સ્વભાવસન્મુખ થવાનો પુરુષાર્થ કરે અને સ્વાનુભવ પ્રગટ કરે ત્યારે કાળલબ્ધિ પાકી એવું સાચું જ્ઞાન થાય છે. સ્વભાવનું ભાન પ્રગટ થાય ત્યારે તે સમયની કાળલબ્ધિનું પણ જ્ઞાન યથાર્થ થાય છે. ભાઈ! જે સ્વભાવ-સન્મુખનો પુરુષાર્થ કરે તેને કાળલબ્ધિ પાકી ગઈ છે. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ એ જ કહ્યું છે કે ‘જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂકયાં.’ જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય કરવો.’ શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે- ‘ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો