૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
ભગવાન! તારા સ્વભાવનું બળ, સામર્થ્ય અચિંત્ય બેહદ છે. તેં પામરપણું અજ્ઞાનથી માની લીધું છે. જ્ઞાન અને રાગ ભિન્ન છે એમ જાણતાં આત્મા ર્ક્તૃત્વને છોડી દે છે. ૧૧મી ગાથામાં કહ્યું કે પોતાની ત્રિકાળી ચીજ અસ્તિ છે તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે-તે નિશ્ચય અને પર્યાયમાં જે રાગ અને અલ્પ શુદ્ધતા છે તેને જાણવું તે વ્યવહાર. બારમી ગાથામાં કહ્યું ને કે તે તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. અર્થાત્ તે સમયનું તે પ્રકારનું જ્ઞાન જ સ્વપરપ્રકાશકપણે પરિણમ્યું છે. તેથી તે જ્ઞાન પરને જાણે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે.
આ તો ધીરાનાં કામ છે બાપુ! છોકરાં મારાં છે એ વાત તો નહિ; પરંતુ છોકરાનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન સ્વપરપ્રકાશકશક્તિના સહજ વિકાસથી છે, છોકરાં છે માટે છોકરાંને જાણે છે એમ નથી. પરજ્ઞેયનું જે જ્ઞાન થાય છે તે સહજ પોતાના કારણે થાય છે, પરજ્ઞેયના કારણે નહિ. અહા! તારી શક્તિનું સામર્થ્ય જ એવું છે કે તે સમયમાં સ્વપરપ્રકાશક જ્ઞાન સહજ પ્રગટ થાય છે. રાગ અને જ્ઞાન પર્યાયમાં એક જ સમયે થાય છે, આગળ પાછળ નહિ. બંનેનાં ક્ષેત્ર પણ એક છે. માટે રાગ આવ્યો તો અહીં જ્ઞાન થયું એમ કયાં રહ્યું? એમ છે જ નહિ. બાપુ! મારગ જુદો છે. રાગના કાળે રાગને જાણે અને તે કાળે સ્વને જાણે એવી શક્તિ નિજરસથી એટલે પોતાના સ્વભાવથી સહજ પ્રગટ થઈ છે.
પ્રશ્નઃ– તો શું નિમિત્ત છે જ નહિ?
ઉત્તરઃ– બાપુ! નિમિત્ત છે એની કોણ ના પાડે છે. અહીં તો એમ વાત છે કે જ્ઞાન રાગને જાણે એમાં રાગ નિમિત્ત છે તો રાગને જાણે છે એમ નથી. નિમિત્ત હો, પણ નિમિત્તથી જ્ઞાન થયું છે એમ નથી.
ભગવાન આત્મા પૂણાનંદનો નાથ પ્રભુ જ્ઞાનનો દરિયો અંદર પોતાની શક્તિથી ડોલી રહ્યો છે. એનું જે જ્ઞાન પોતાથી થયું તે જ્ઞાન ક્રોધાદિને જાણતું, તેના ર્ક્તૃત્વને ભેદતું સહજ પ્રગટ થયું છે. રાગ મારી ચીજ નથી એમ રાગને ભિન્નપણે જાણતાં રાગનું ર્ક્તૃત્વ છૂટી જાય છે. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ! શું રાગતત્ત્વના કારણે અહીં જ્ઞાનતત્ત્વ છે? ના. તો રાગને જ્ઞાન જાણે છે એમ કહેતાં જ રાગની એક્તા તૂટી ગઈ અર્થાત્ રાગનું ર્ક્તૃત્વ છૂટી ગયું. રાગ અને જ્ઞાનને સમકિતી ભિન્ન જાણે છે. સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયમાં પોતાનું અને જે પ્રકારના રાગદ્વેષ હોય તેનું તે પ્રકારનું જ્ઞાન પોતાથી સ્વયં પ્રકાશે છે.
કુંદકુંદાચાર્યદેવ ગાથા ૩૭૨માં કહે છે કે-સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. ગુણનો અર્થ ત્યાં પર્યાય થાય છે. સર્વદ્રવ્યોની પર્યાય પોતાથી થાય છે. નિમિત્ત હો, પણ નિમિત્તથી કોઈ અન્ય દ્રવ્યની પર્યાય કરાતી નથી. માટીના સ્વભાવથી ઘડાની પર્યાય ઉત્પન્ન થાય છે, કુંભારના સ્વભાવથી નહિ. અહો! ગજબ વાત કરી છે!