૧૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ કર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી.’
એક દ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય થાય તો બન્ને દ્રવ્ય એક થઈ જાય. આત્મા આ આંગળીને હલાવી શકે તો આત્મા આગળીમાં એકમેક થઈ જાય. જડના પરિણામમાં આત્મા પ્રવેશ કરે તો પોતાની સત્તાનો નાશ થઈ જાય. વળી પરની પર્યાય તું કરે તો તે અન્ય દ્રવ્યની પોતાની પર્યાયનો નાશ થઈ ગયો અને પર્યાયનો નાશ થતાં તે દ્રવ્યનો પણ નાશ થઈ ગયો.
કર્તાકર્મભાવ અથવા પરિણામ-પરિણામીભાવ એક દ્રવ્યમાં જ હોય છે. અજ્ઞાની રાગનો કર્તા અને જ્ઞાની જ્ઞાનનો કર્તા હો, પરંતુ જીવ પરનો કર્તા ત્રણકાળમાં નથી. એક દ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય થાય તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. પરને હું જીવાડું, સુખી-દુખી કરું, તેનું ભરણ-પોષણ કરું આવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે.
કોઈ મોટું કારખાનું ચલાવતો હોય અને તેમાં હજારો માણસ કામ કરતા હોય તો ત્યાં અજ્ઞાની એમ માને છે કે હું કારખાનું ચલાવું છું અને તે બધાંને નિભાવું છું. ભાઈ! વસ્તુસ્વરૂપ એમ નથી. સૌ દ્રવ્યો પોતપોતાનું કાર્ય સ્વતંત્રપણે કરે છે એ વસ્તુસ્વરૂપ છે. કોઈ ડોકટર એમ કહે કે હું દવાખાનું ચલાવું છું અને અનેક લોકોના રોગ મટાડું છું તો એ એની ભ્રાન્તિ છે, અજ્ઞાન છે. એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી, કેમકે એમ છે જ નહિ.