૧૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
પંચમહાવ્રતના પરિણામ તે કર્મના વિપાકનું ફળ છે; તે આત્મા નથી. જ્ઞાની તે શુભરાગને જાણે જ છે. પોતાના જ્ઞાનસ્વરૂપમાં રહીને જ્ઞાની તેને જાણે છે. જ્ઞાની તો જ્ઞાનના કર્તા છે, આનંદના કર્તા છે. અહાહા...! પોતાનું સ્વરૂપ તો શુદ્ધ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે એમ જેને અનુભવ થયો છે તે ધર્મી જીવ પોતાની જ્ઞાન અને આનંદની પર્યાયના કર્તા છે, પણ મહાવ્રતાદિના રાગના કર્તા નથી. રાગનો કોણ કર્તા થાય? રાગનો કર્તા થાય એ તો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવ છે. આવી વાત છે.
જેને પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન નથી તે કર્મના ઉદયના નિમિત્તે જે અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવો થાય તેનો કર્તા થાય છે. વ્રત-અવ્રતના પરિણામ મારી ચીજ છે એમ અજ્ઞાની માને છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ કર્મના ઉદયે થતા ભાવ છે. અજ્ઞાની તે મારું કર્તવ્ય છે એમ માની તેનો કર્તા થાય છે. બહારના ક્રિયાકાંડમાં જે ધર્મ માને છે તેનું શ્રદ્ધાન મિથ્યા છે. તે અજ્ઞાની પાખંડી છે, જ્ઞાની તો રાગાદિ જે થાય તેના જ્ઞાતાપણે જ પરિણમે છે, તેનો કર્તા થતો નથી. પરભાવનો-પરદ્રવ્યના પરિણામનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી.