Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1206 of 4199

 

સમયસાર ગાથા-૧૦૩ ] [ ૧૪પ સાંભળ. અચલિત વસ્તુસ્થિતિ જ એવી છે કે આત્મા અને પરમાણુ નિજ રસથી જ પોતપોતાની પર્યાયમાં વર્તી રહ્યાં છે. બીજો બીજાનું કરી દે એ વસ્તુસ્થિતિમાં જ નથી. આવી વસ્તુની મર્યાદા તોડવી અશકય છે. તથાપિ પોતાની પર્યાયને બીજો કરે અને બીજાની પર્યાયને પોતે કરે એમ જે માને તે અચલિત વસ્તુસ્થિતિને (અભિપ્રાયમાં) તોડી નાખે છે અને માટે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.

સત્યની પ્રસિદ્ધિ કરનાર આ સત્શાસ્ત્ર છે. આ મસ્તકના પરમાણુ છે તે જીવના આધારે રહેલા નથી. તથા ઉપરના પરમાણુ છે તે નીચેના પરમાણુઓના આધારે રહેલા નથી. પ્રત્યેક પરમાણુમાં કર્તા, કર્મ આદિ ષટ્કારકરૂપ શક્તિઓ રહેલી છે અને તેથી પ્રત્યેક પરમાણુ પોતાના કારણે પોતાની પર્યાયમાં વર્તી રહ્યો છે, તેને કોઈ પરનો આધાર નથી. દેહમાંથી જીવ ચાલ્યો જતાં દેહ ઢળી જાય છે તે અવસ્થા દેહના કારણે છે, જીવના કારણે નહિ. જીવ છે તો દેહ આમ ટટાર રહે છે અને જીવ નીકળી જતાં દેહ ઢળી ગયો એવી માન્યતા યથાર્થ નથી. દેહની પ્રત્યેક અવસ્થામાં દેહના પરમાણુઓ વર્તી રહ્યા છે, એમાં જીવનું કાંઈ કાર્ય નથી.

આત્માનાં ઘણાં વિશેષણો આપવામાં આવે છે, જેમકે-અનંતગુણના વૈભવની વિભૂતિ, પરમેશ્વર, પુરુષાર્થનો પિંડ, ગુણોનું ગોદામ, શક્તિનું સંગ્રહાલય, સ્વભાવનો સાગર, શાન્તિનું સરોવર, આનંદની મૂર્તિ, ચૈતન્યસૂર્ય, જ્ઞાનનો નિધિ, ધ્રુવધામ, તેજના નૂરનું પૂર, અતીન્દ્રિય મહાપ્રભુ, જ્ઞાનની જ્યોતિ, વિજ્ઞાનઘન, ચૈતન્ય ચમત્કાર ઇત્યાદિ. વળી ભૈયા ભગવતીદાસે અક્ષરબત્તીસી લખી છે તેમાં આત્માની વાત ક, ખ, ગ.... ઇત્યાદિ કક્કાવારીમાં ઉતારી છે; જેમકે-કક્કો કેવળજ્ઞાનનો કંદ, ખખ્ખો ખબરદાર આત્મા, ગગ્ગો જ્ઞાનનો ભંડાર,.. .. ઇત્યાદિ. અહીં કહે છે કે આવો આત્મા પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં સદાય વર્તે છે. આત્મા પરદ્રવ્યમાં જતો નથી અને પરદ્રવ્ય આત્મામાં આવતાં નથી. પોતાની પર્યાય પોતાથી થાય છે, નિમિત્તથી નહિ અને પરદ્રવ્યનું કાર્ય તે પરદ્રવ્યથી થાય છે, આત્માથી નહિ. આવી જ અચલિત વસ્તુસ્થિતિ છે.

એક શ્રીમંત પાસે બે અજબ ચાલીસ કરોડની સંપત્તિ હતી. તેમના એક સગાએ એકવાર તેમને કહ્યું કે-આટલી અઢળક લક્ષ્મી છે તો હવે તમારે કમાવાની શી જરૂર છે? આ બધી પ્રવૃત્તિની જંજાળ છોડી દો. ત્યારે એ શ્રીમંતે કહ્યું કે-આ ધંધા અમે અમારા માટે કરતા નથી, કેટલાય લોકોના પોષણ માટે કરીએ છીએ. જુઓ, આ વિચારની વિપરીતતા! અરે ભાઈ! પરનું તો કોઈ કાંઈ કરતું નથી. પરની મમતા કરી કરીને પોતાના રાગદ્વેષનું પોષણ કરે છે. પરના કામ હું કરું છું એવો તને મિથ્યા અહંકાર થઈ ગયો છે. અરે ભાઈ! તારી પર્યાય તારાથી થાય અને પર જીવની પર્યાય તે તે પર જીવથી થાય. તું પર જીવની પર્યાયનો કર્તા નથી. પ્રભુ! કોણ કોની પર્યાય