સમયસાર ગાથા-૧૨૬ ] [ ૨૨૭
ભગવાન આત્મા જિનસ્વરૂપ છે. તેથી તેના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્ધાનની પર્યાય પ્રગટ થાય તે જિનસ્વરૂપ એટલે વીતરાગરૂપ જ હોય છે. સ્વરૂપના શ્રદ્ધાનરૂપ ચોથે ગુણસ્થાને જે સમ્યગ્દર્શન હોય છે તે વીતરાગી જ પર્યાય છે. સરાગ સમકિત-એવું જ્યાં કહ્યું છે ત્યાં તો સમકિતીને જે ચારિત્રના દોષરૂપ સરાગ પરિણામ છે તે બતાવવા માટે કહ્યું છે, બાકી સમકિત તો વીતરાગી જ પર્યાય છે.
અરે ભાઈ! અનંતકાળે આવું (દુર્લભ) મનુષ્યપણું મળે છે. ઉપરાઉપરી વધારેમાં વધારે આઠ વખત મનુષ્યપણું મળે, પછી નવમા ભવે કાં તો મોક્ષ થાય, કાં તો નિગોદમાં જાય. અરેરે! એને પોતાની દરકાર નથી! એને પોતાની દયા નથી! પરની દયા તો કોણ પાળી શકે છે?
સર્વજ્ઞ ભગવાને સર્વ જીવોનો જેવો સર્વજ્ઞસ્વભાવ જ્ઞાનમાં દેખ્યો છે એવો પોતાનો સર્વજ્ઞસ્વભાવ સમ્યગ્દ્રષ્ટિને દેખવામાં-પ્રતીતિમાં આવે છે, તેથી જિન સર્વજ્ઞ વીતરાગ સ્વભાવને દેખનારી દ્રષ્ટિ વીતરાગી પર્યાય છે. જ્ઞાનીના જ્ઞાનમય પરિણામ છે એનો અર્થ એમ છે કે જ્ઞાનીના વીતરાગતામય પરિણામ છે. જ્ઞાનીને વીતરાગી દ્રષ્ટિ, વીતરાગી જ્ઞાન અને વીતરાગી આચરણ થયું હોય છે. જ્ઞાનીના સર્વ ભાવ વીતરાગી છે, તેથી જ્ઞાની વીતરાગ ભાવના કર્તા છે અને વીતરાગી ભાવ એનું કર્મ છે.
અત્યારે તો ચારે બાજુ ધર્મના નામે મોટા ગડબડ-ગોટા ચાલે છે. વાણિયાને કમાવા આડે નવરાશ નથી એટલે સત્ય-અસત્યની કસોટી કયારે કરે? બિચારાઓને ખબર નથી કે કમાઈને ક્રોડપતિ થાય તોય તે ધૂળપતિ છે. અને આત્મા? આત્મા તો જેની સંખ્યાનો પાર નથી એવા અનંત-અનંત ગુણોનો ભંડાર એવો ભગવાન છે. એ બધા ગુણો નિર્મળ વીતરાગી સ્વભાવે છે. આવા વીતરાગસ્વભાવી આત્માનું ભાન થતાં તેની પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. અહો! જ્ઞાનીના ભાવ જ્ઞાનમય જ છે એટલા શબ્દોમાં તો ખૂબ ગંભીર ભાવ ભર્યા છે. જ્ઞાની વીતરાગ ભાવનો કર્તા છે પણ વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય તેનો જ્ઞાની કર્તા નથી. જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ છે. વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય તેને જ્ઞાની જાણે પણ એ રાગ કાંઈ જ્ઞાનીનું કાર્ય નથી.
ભાઈ! આ કોઈ લૌકિક વાર્તા નથી. આ તો ચૈતન્યનો નાથ એવા ભગવાન આત્માની કથા છે. વીતરાગ સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્માની અકષાય કરુણાથી જે દિવ્ય વાણી નીકળી તેમાં જે વાત આવી તેને સંતો જગત પાસે જાહેર કરે છે. કહે છે-પ્રભુ! તું વીતરાગસ્વભાવે રહેલા અનંત-અનંત નિર્મળ ગુણોનો એકરૂપ પિંડ છો. રાગ કરે એવો કોઈ ગુણ તારામાં નથી. દયા પાળવી, ભક્તિ કરવી, પૂજા કરવી ઇત્યાદિ રાગને