ભોગમાં-હાડ-ચામડાના ભોગમાં સુખ માને પણ એ તો રાગના સ્વાદ છે, ઝેરના સ્વાદ છે. અહીં તો દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્મા એમ ભેદ પાડી પરમાર્થ વસ્તુ સમજાવતાં જ્યાં અભેદ ત્રિકાળી જ્ઞાયકનો સ્વીકાર અને સત્કાર થયો કે તુરત જ અંતરમાં આનંદના સ્વાદ સહિત સુંદર બોધતરંગો ઊછળે છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે. આનું નામ ધર્મ છે. અહો! અમૃતચંદ્રાચાર્યદેવે અદ્ભુત ટીકા કરી છે. આવી ટીકા ભરતક્ષેત્રમાં બીજે કયાંય નથી.
હવે કહે છે-એ રીતે જગત મ્લેચ્છના સ્થાને હોવાથી, અને વ્યવહારનય પણ મ્લેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું-એ વચનથી તે અનુસરવા યોગ્ય નથી. જેમ મ્લેચ્છભાષા દ્વારા મ્લેચ્છને સમજાવવું એ તો યોગ્ય છે પણ તેથી બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું જોઈએ, તેમ વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક હોવાથી સ્થાપન કરવા યોગ્ય છે, પણ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી. અનુસરણ કરવા યોગ્ય તો એકમાત્ર ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક જ છે.
ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન કેમ થાય એની વાત ચાલે છે. લોકો શુદ્ધનયને જાણતા નથી. અરે! અન્ય સંપ્રદાયમાં તો શુદ્ધનય એવો શબ્દ પણ નથી. શુદ્ધનય કોને કહેવાય? શુદ્ધનય એટલે ત્રિકાળી જ્ઞાયકને જાણનાર સમ્યગ્જ્ઞાનનો અંશ. અભેદ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યવસ્તુ, છતો પદાર્થ, શાશ્વત પદાર્થ જે આત્મા તે શુદ્ધનયનો વિષય છે. અર્થાત્ આ આત્મા જે અનંત અનંત બેહદ શક્તિઓનો પિંડ અભેદ એકરૂપ વસ્તુ છે તેનું જે લક્ષ કરે-જ્ઞાન કરે તેને શુદ્ધનય કહે છે. એવા શુદ્ધનયને લોકો જાણતા નથી, કેમકે શુદ્ધનયનો વિષય જે અભેદ એકરૂપ વસ્તુ આત્મા તેનો તેમને પ્રત્યક્ષરૂપ અનુભવ નથી.
જેમ લાખ મીંડાં લખો પણ આગળ એકડો ન હોય તો કેટલી સંખ્યા બને? કોઈ સંખ્યા ન બને. એકડા વિનાનાં લાખ મીંડાંની કાંઈ કિંમત નથી, તેમ સમ્યગ્દર્શન વિના વ્રત કરે, તપ કરે, સામાયિક કરે, પણ એ બધું થોથેથોથાં છે. એ ક્રિયાઓમાં રાગ મંદ હોય તો પુણ્ય બંધાય, ધર્મ ન થાય.
આ તો ભગવાનના કહેલા મંત્રો છે. અજ્ઞાનમાં સૂતેલાને જગાડવા માટે છે. જીવે વ્રત, તપ, ભક્તિ, પૂજા, દાન, ઇત્યાદિ અનંતવાર કર્યાં છે, કેમકે તે અનંતવાર સ્વર્ગમાં ગયો છે. એ સ્વર્ગમાં કાંઈ પાપ કરીને ન જાય. એણે મનુષ્યના ભવ કર્યા સૌથી ઓછા, પણ તેય અનંત. એનાથી નરકના ભવ અસંખ્યાતગુણા અનંત કર્યા. એક મનુષ્યના ભવ