૨૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ભાવ હોય છે. તેને પર અને રાગની જે એકતાબુદ્ધિ છે તે સ્વયં અજ્ઞાનમય ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે ભાવ થાય તે મારા છે, એનાથી મને લાભ (ધર્મ) થાય છે, એ મારું કર્તવ્ય છે અને હું એ ભાવોનો કર્તા છું એવી જે એની દ્રષ્ટિ છે તે સ્વયં અજ્ઞાનમય છે. અને એ અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય છે. જેમ લોખંડમાંથી લોખંડમય કડાં આદિ ભાવો થાય છે તેમ રાગની એકતાબુદ્ધિના અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનીને અજ્ઞાનમય એટલે કે રાગમય, વિકારમય ભાવો જ ઉત્પન્ન થાય છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ જંગલમાં વસનારા નિર્ગ્રંથ મહા મુનિરાજ હતા. નિર્ગ્રંથ એને કહીએ કે જેને રાગ સાથેની એકતાબુદ્ધિની-મિથ્યાત્વની ગાંઠ છૂટી ગઈ છે, ટળી ગઈ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પરિણામ શુભરાગરૂપ આસ્રવ છે. તેનાથી ભિન્ન પડીને અંદર આત્મા જે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ છે તેનો જેને અનુભવ થયો છે તે નિર્ગ્રંથ છે. આવા પરમ નિર્ગ્રંથ અતીન્દ્રિય આનંદના સ્વામી આચાર્ય કુંદકુંદ-સ્વામીનાં આ વચનો છે કે-
બધા આત્મા ભગવાન-સ્વરૂપ છે. પર્યાયમાં જે ભૂલ હતી તેનો અમે સ્વરૂપના લક્ષે અભાવ કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે-
એમ અહીં કહે છે કે ‘સર્વ જીવ છે જ્ઞાનમય, જે સમજે તે થાય.’ અહાહા...! ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર પ્રભુ આત્મા છે. તેમાં દયા, દાન, ભક્તિનાં, કે વ્યવહાર-રત્નત્રયના કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાના રાગનો સદાકાળ અભાવ છે. પરંતુ અરે! અજ્ઞાની શુભરાગને પોતાનું સ્વરૂપ માને છે. તેથી તે પોતે રાગમય થયો છે, અજ્ઞાનમય થયો છે. આથી અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી રાગાદિમય અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે, સુક્ષ્મ વાત છે, પ્રભુ! અજ્ઞાનીને પોતાના જ્ઞાનમય સચ્ચિદાનંદસ્વરૂપ આત્માનું ભાન નથી અને જે રાગ થાય તેને જ તે પોતાનું સ્વરૂપ માને છે. રાગથી લાભ થાય, વ્યવહારથી નિશ્ચય પ્રગટ થાય-આવા મિથ્યાદર્શનના ભાવથી મિથ્યાત્વના ભાવ જ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનમય ભાવમાંથી, બદલીને ગમે તે ભાવ થાય તોપણ અજ્ઞાનમય ભાવ જ થાય, જ્ઞાનમય ભાવ ન થાય. ખૂબ ગંભીર વાત છે, ભાઈ!
અજ્ઞાનીને સ્વયં અજ્ઞાનમય ભાવ હોય છે. જડકર્મના કારણે તે ભાવ ઉત્પન્ન થયા છે એમ નથી. કર્મ તો જડ છે, કર્મ શું કરે? પોતે સ્વયં અજ્ઞાનમય ભાવરૂપે પરિણમે છે. કોઈ કર્મનો ઉદય તેને અજ્ઞાનભાવે પરિણમાવે છે એમ નથી. કર્મનો ઉદય આવ્યો માટે મિથ્યાત્વપણે પરિણમવું પડયું એમ પણ નથી. જેની દ્રષ્ટિ નિમિત્તાધીન છે તે ગમે તે માને, પરંતુ અજ્ઞાનીને જે રાગમય-અજ્ઞાનમય ભાવ થાય છે તે સ્વયં પોતાના