૨પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
શુભરાગ મારો છે એમ અજ્ઞાની માને છે. પણ જ્ઞાની તો કહે છે કે પુણ્યભાવ પણ પાપ છે. દયા, દાન, વ્રતાદિના શુભરાગના ભાવ તે પાપ છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ખસી જાય, પતિત થાય ત્યારે એ ભાવ થાય છે માટે તે પાપ તત્ત્વ છે. લોકોને પુણ્યબંધનું ફળ જે ભોગસામગ્રી અને અનુકૂળ સંજોગો-તેની મીઠાશ છે અને તેથી પુણ્યબંધના કારણરૂપ પુણ્યભાવ જે શુભરાગ તેની પણ મીઠાશ છે. તેથી આ વાત તેમને કડક લાગે છે. પરંતુ ભાઈ! તને જે શુભરાગની મીઠાશ છે તે અજ્ઞાનમય ભાવ છે અને તે અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને અતિક્રમતા નહિ હોવાથી અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે, જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થતા નથી એમ અહીં કહે છે. ભાઈ! આ શુભરાગની મીઠાશ તને કયાં લઈ જશે? જન્મ-મરણરૂપ સંસારમાં અને અંતે તે નિગોદ લઈ જશે, કેમકે મિથ્યાત્વનું ફળ (અંતે) નિગોદ છે.
હવે કહે છે-‘જ્ઞાનીને-કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને-જ્ઞાનમયભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય.’
પરદ્રવ્યના ભાવોથી રહિત, નિર્મળાનંદનો નાથ ચિત્ચમત્કારમાત્ર ભગવાન આત્મા છે. આવા પોતાના આત્માનાં દ્રષ્ટિ અને અનુભવ જેને થયાં છે તે જ્ઞાની છે. એ જ્ઞાની એમ જાણે છે કે જાણવું અને દેખવું બસ એ જ મારું કાર્ય છે. જ્ઞાનીને જ્ઞાનાનંદસ્વભાવ મારી ચીજ છે એમ સત્યનો આગ્રહ નામ દ્રઢ નિશ્ચય અને શ્રદ્ધાન છે. તેની દ્રષ્ટિ પોતાના ચૈતન્યસ્વભાવથી ખસતી નથી અને તેથી તેને જ્ઞાનમય ભાવ છે. જ્ઞાનમયભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઓળંગતા હોવાથી સર્વ જ્ઞાનમય ભાવો જ જ્ઞાનીને ઉત્પન્ન થાય છે પરંતુ અજ્ઞાનમય ભાવો ઉત્પન્ન થતા નથી.
પ્રશ્નઃ– તો શું જ્ઞાનીને રાગ આવતો જ નથી?
ઉત્તરઃ– જ્ઞાનીને યથાપદવી રાગ આવે છે પણ તે તેના જ્ઞાતા છે, કર્તા નથી. જે અલ્પ રાગ આવે છે તેને તે પરજ્ઞેયરૂપે જાણે છે. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ હોતું નથી. તેથી જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ હોય છે, અજ્ઞાનમય હોતા નથી.
ભગવાન ઋષભદેવ પરમાત્મા અષ્ટાપદ પર્વત પરથી નિર્વાણ પામ્યા ત્યારે ભગવાનનો વિરહ પડતાં ભરત મહારાજાને હૃદયમાં ખૂબ દુઃખ થયું, આંખમાં આંસુ આવ્યાં. ‘અરે! ભારતવર્ષનો દેદીપ્યમાન સૂર્ય અસ્ત થઈ ગયો!’ એવા વિરહના વિચારથી ઘણું દુઃખ અનુભવવા લાગ્યા. ત્યારે ઇન્દ્રે કહ્યું-ભરતજી! તમારે તો આ છેલ્લો દેહ છે. અમે તો હજુ એક ભવ કરીને મોક્ષે જવાના છીએ. વિરહના દુઃખથી તમારી આંખોમાં આંસુ! શું આ તમને શોભે? મહારાજા ભરતે કહ્યું-આ તો કમજોરીનો-અસ્થિરતાનો રાગ