૨પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ હવે એક દિ બન્યું એમ કે એમનો જુવાનજોધ દીકરો એકાએક ગુજરી ગયો. સ્મશાનેથી બાળીને સૌ ઘેર આવ્યા. ઘરમાં સૌ રો-કકળ કરે અને બધે શોકનું ગમગીન વાતાવરણ બની ગયું. દીકરાનો બાપ શેઠ કહે-રોટલા-રોટલી બનાવો, આજે ચૂરમુ ન ખવાય. સૌ સગાંવહાલાં કહે- તમને ચૂરમાની ટેવ છે માટે તમે ચૂરમુ જ ખાઓ, તમને બીજું માફક નહિ આવે. તે વખતે સૌએ સાદું ભોજન કર્યું. શેઠે ચૂરમુ ખાધું, પણ ચૂરમાની એમને હોંશ ન હતી. તેમ જ્ઞાનીને રાગ આવે છે પણ તેને રાગની હોંશ નથી. ધર્મીને રાગની રુચિ ખલાસ થઈ ગઈ હોય છે.
અર્થ એમ છે કે જ્ઞાનીને પુરુષાર્થની કમજોરી છે. જે રાગ આવે છે તે પોતાના અપરાધથી આવે છે અને તે પોતાના કારણે આવે છે. જડકર્મને લઈને રાગ થાય છે વા જડકર્મનો ઉદય રાગ કરાવે છે એમ છે જ નહિ, કર્મ તો જડ છે. કહ્યું છે ને કે-
જ્યાં જ્યાં એમ કથન આવે કે કર્મના ઉદયની બળજોરીથી રાગ થાય છે ત્યાં ત્યાં એમ સમજવું કે રાગ પોતાની કમજોરીથી પોતાના કારણે થાય છે અને કર્મનો ઉદય તેમાં નિમિત્ત- માત્ર છે. (પુરુષાર્થ કમજોર છે તો કર્મ બળવાન છે એમ નિમિત્તથી કહેવામાં આવે છે).
હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છેઃ-
‘अज्ञानी’ અજ્ઞાની ‘अज्ञानमयभावानाम् भूमिकाम्’ (પોતાના) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં ‘व्याप्य’ વ્યાપીને ‘द्रव्यकर्मनिमित्तानां भावानाम्’ (આગામી) દ્રવ્યકર્મનાં નિમિત્ત જે (અજ્ઞાનાદિક) ભાવો તેમના ‘हेतुताम् एति’ હેતુપણાને પામે છે. (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે.)
અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં એટલે રાગની રુચિમાં પડયો છે. પોતાનો જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ, વીતરાગસ્વભાવ તેને છોડીને અજ્ઞાની રાગની રુચિમાં જોડાયો છે. અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને દ્રવ્યકર્મનાં નિમિત્ત જે અજ્ઞાનાદિક ભાવો છે તેમના હેતુપણાને પામે છે. અર્થાત્ દ્રવ્યકર્મના નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે.
જૂના કર્મના ઉદયનું લક્ષ કરીને, નવા કર્મબંધના કારણરૂપ જે અજ્ઞાનભાવ તેના હેતુપણાને પ્રાપ્ત થાય છે. આ અજ્ઞાનીની વાત કરી છે.