૨૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
આવી વાત સાંભળીને લોકો કહે છે-આ તો નિશ્ચયાભાસ છે, આગમવિરુદ્ધ છે. અરે ભાઈ! તને આગમની ખબર નથી. આગમમાં તો વીતરાગતા પ્રગટ કરવાનો ઉપદેશ છે. પરંતુ વીતરાગતા કયારે થાય? તો કહે છે-નયપક્ષના વિકલ્પો મટાડીને પોતાના જ્ઞાતાદ્રષ્ટા-સ્વરૂપમાં સમાઈ જાય ત્યારે વીતરાગરસરૂપ અમૃતનો પર્યાયમાં અનુભવ થાય છે, અને એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. આ સિવાય વ્રત, તપ ઇત્યાદિ બાહ્ય ક્રિયા રણમાં પોક મૂકવા જેવી છે. બહારની ક્રિયાના વિકલ્પો એ તો રાગની ક્રિયા છે. રાગની ક્રિયા છે તે સંસારસમુદ્ર છે અને ભગવાન આત્મા ચૈતન્યનો-આનંદનો સમુદ્ર છે. અહો! સંતોએ સુગમ શૈલીથી કથન કરીને મોક્ષનો પંથ બતાવ્યો છે.
નયપક્ષનું જે એકત્વ છે તે દર્શનમોહ છે. શ્રીમદે નથી લખ્યું? કે-
ત્યાં દર્શનમોહ એટલે નયપક્ષના વિકલ્પજાળના એકત્વનો વ્યય થઈને જ્ઞાન ઉત્પન્ન થયાની વાત છે અને એ જ સમ્યગ્જ્ઞાન છે, ધર્મ છે. જૈન પરમેશ્વરે જે કહી છે તે જ વસ્તુ છે. તે સિવાય વસ્તુનું બીજું કોઈ સ્વરૂપ નથી. જેઓ નયપક્ષને ઓળંગીને સાક્ષાત્ વસ્તુમાં- આત્મામાં નિમગ્ન થાય છે તેઓ જ વીતરાગરસરૂપ અમૃતનું પાન કરે છે.
‘જ્યાંસુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યાંસુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી.’
જુઓ વ્રત, તપ ઇત્યાદિના વિકલ્પ છે તે શુભરાગ છે. એનો પક્ષપાત રહે ત્યાંસુધી ચિત્તમાં ક્ષોભ રહે છે એ તો ઠીક. અહીં કહે છે-હું શુદ્ધ છું, અભેદ એકરૂપ ચિદ્રૂપ છું-એવો નિજસ્વરૂપ સંબંધી નયપક્ષનો વિકલ્પ જ્યાંસુધી ઉઠે ત્યાંસુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. એ નયપક્ષનો વિકલ્પ પણ ક્ષોભ છે, આકુળતા છે. હવે કહે છે-
‘જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે.’
શું કહ્યું આ? જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે ત્યારે વીતરાગ દશા થાય છે, સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. જુઓ ચોથે ગુણસ્થાને જે સમ્યગ્દર્શન થાય છે તે નિર્વિકલ્પ એટલે રાગરહિત વીતરાગી પરિણામ છે. એમ નથી કે જીવ ૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાને જ વીતરાગ દશા પામે છે. સમ્યગ્દર્શન છે એ વીતરાગી દશા છે, ભાઈ!
હું એક છું, શુદ્ધ ચિદ્રૂપ છું, અબદ્ધ છું-એવા જે નય-વિકલ્પો અર્થાત્ રાગની લાગણીઓ છે તે છૂટી જાય છે ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપનું શ્રદ્ધાન નિર્વિકલ્પ થાય છે. ભાઈ! આ તારી સ્વદયાની વાત છે. તારું જીવન જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ છે. રાગ કે વિકલ્પ તારું જીવન નથી. તારામાં એક જીવત્વશક્તિ અનાદિથી રહેલી