૩૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
આ બીજા બોલમાં બંનેને સરખા કહ્યા છે ત્યાં કેવળી ભગવાનને શ્રુતજ્ઞાન નથી અને તેથી નય પણ નથી; માત્ર તેના સ્વરૂપને જ જાણે છે. તેમ શ્રુતજ્ઞાની પણ સમ્યગ્દર્શનના અનુભવકાળે વ્યવહાર નિશ્ચયનયનો પક્ષ છૂટી ગયો હોવાથી નયપક્ષના સ્વરૂપને જ કેવળ જાણે છે, વિકલ્પ નથી.
કેટલાક માને છે કે વ્યવહારથી નિશ્ચય થાય, પણ એ વાત તદ્ન ખોટી છે. અહીં તો એમ કહે છે કે સમકિતી જીવ પણ કેવળીની જેમ શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયનય પક્ષોના સ્વરૂપને કેવળ જાણે છે.
૩. નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે કેવળી ભગવાન પોતે જ સદા વિજ્ઞાનઘન થયા છે; તેમ શ્રુતજ્ઞાની ધર્મી જીવ અતિ તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત, ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે એટલે કે ચૈતન્યમય આત્માના અનુભવન વડે, તે અનુભવના કાળે પોતે જ વિજ્ઞાનઘન થયો છે. નયપક્ષના ગ્રહણના ઉત્સાહથી નિવૃત્ત થવાને લીધે ધર્મી જીવ તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિ વડે સ્વરૂપમાં એકાગ્ર થઈને પોતે જ તે કાળે વિજ્ઞાનઘન થયો છે.
અહીં આટલો ફેર છે કે કેવળી ભગવાન સદા વિજ્ઞાનઘન થયા છે, જ્યારે સમ્યગ્દ્રષ્ટિ જીવ અનુભવના કાળે વિજ્ઞાનઘન થયો છે. કેમકે સમ્યગ્દ્રષ્ટિને પછી વિકલ્પ ઉઠે છે માટે અનુભવના કાળે તે વિજ્ઞાનઘન થયો છે એમ કહ્યું છે.
ધર્મની પ્રથમ ભૂમિકા શરૂ થવાના કાળની આ વાત ચાલે છે. નિશ્ચય-વ્યવહારના વિકલ્પના પક્ષથી જ્ઞાની રહિત થયો છે, તો વ્યવહારથી નિશ્ચય થાય એ વાત કયાં રહી? હું બદ્ધ છું, અબદ્ધ છું-એ બંને પક્ષથી જ્ઞાની રહિત થયો છે. કેવળી ભગવાન સદા વિજ્ઞાનઘન થયા છે, આ ધર્મી જીવ અનુભવના કાળમાં વિજ્ઞાનઘન થયો છે, આટલો ફેર છે.
ભાઈ! આ તારા ઘરની-સ્વરૂપની વાત ચાલે છે. પ્રથમ સમ્યગ્દર્શન શુદ્ધોપયોગના કાળમાં થાય છે. અત્યારે આ વાત ચાલતી નથી એટલે કોઈને દુઃખ લાગે કે અમારી માન્યતાને જૂઠી પાડે છે, પણ પ્રભુ! માર્ગ તો આ છે. તારા હિતની આ વાત છે. બાપુ! આમાં વિરોધ કરવા જેવું નથી. અરે કોઇને ન બેસે ને વિરોધ કરે તો તેના પ્રત્યે દ્વેષ ન હોય. અંદર ભગવાન વિરાજે છે ને! એક સમયની પર્યાયમાં ભૂલ છે તે પોતે જ સુધારશે. અહા! ગાથા ઘણી અલૌકિક છે.
ભાઈ! નયોના વિકલ્પ થાય તે જીવનું કર્તવ્ય નથી. હું શુદ્ધ છું, અબદ્ધ છું- એવો નિશ્ચયનયના પક્ષરૂપ વિકલ્પ જીવનું કર્તવ્ય નથી; કેમકે ભગવાન આત્મા જે ચૈતન્યઘનસ્વરૂપ છે, પવિત્રસ્વરૂપ છે તે રાગરૂપ અપવિત્રતાનો કર્તા કેમ થાય? ત્રિકાળ શુદ્ધ વિજ્ઞાનઘનસ્વરૂપ પરમાત્મા ક્ષણિક રાગની મલિનતાનો કર્તા કેમ થાય? ન જ થાય. ભાઈ! વસ્તુનું સ્વરૂપ આવું છે. એમાં વાદવિવાદને અવકાશ નથી.