સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩પ૩
કહે છે-આ ઇંદ્રિયો અને મન છે તે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો છે. સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ-એમ જે પાંચ ઇંદ્રિયો છે તે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો છે. ઇન્દ્રિયો વડે ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય એવી ચીજ આત્મા નથી. વીતરાગની વાણી અને પંચ પરમેષ્ઠી ભગવાન એ બધાં પરદ્રવ્ય છે. ઇન્દ્રિયો અને મન દ્વારા આ બધા પર પદાર્થ પ્રસિદ્ધ થાય છે પણ આત્મા પ્રસિદ્ધ થતો નથી. ‘जो इंदिये जिणित्ता...’ એમ ગાથા ૩૧માં જે વાત કરી હતી એ વાત અહીં બીજી રીતે કહે છે. અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ મહા ચૈતન્યહીરલો છે, તેની પ્રસિદ્ધિ માટે એટલે પર્યાયમાં તેનો અનુભવ કરવા માટે પર પદાર્થના પ્રસિદ્ધિનાં કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધાને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસંમુખ કરવું એમ કહે છે.
શરીર, મન, વાણી એ બધા પર પદાર્થ છે. ભગવાનની પ્રતિમા પણ પર પદાર્થ છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવ સાક્ષાત્ સમોસરણમાં બિરાજમાન હોય તે પણ પર પદાર્થ છે. એ બધા પરપદાર્થ ઇન્દ્રિયો દ્વારા પ્રસિદ્ધિ થાય છે અર્થાત્ જણાય છે. અહીં તો સ્વદ્રવ્યને-આત્માને જાણવાની વાત છે. તેથી કહે છે-ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતી જે બુદ્ધિઓ એટલે જ્ઞાનની અવસ્થાઓ-તે બધીને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસન્મુખ કરતાં આત્મા પ્રસિદ્ધ થાય છે. ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતા જ્ઞાનનો જે પરસન્મુખ ઝુકાવ છે તેને ત્યાંથી સમેટી લઈને સ્વસન્મુખ કરતાં ભગવાન આત્મા જણાય છે, અનુભવાય છે.
જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તે પ્રથમ સ્વરૂપનો વિકલ્પ દ્વારા નિશ્ચય કરીને પછી પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પર પદાર્થની પ્રસિદ્ધિ કરનારું જે જ્ઞાન તેને ત્યાંથી મર્યાદામાં લાવીને અર્થાત્ સમેટી લઈને જેણે મતિજ્ઞાનના સ્વરૂપને આત્મસંમુખ કર્યું છે એવો થાય છે. અહાહા...! મતિજ્ઞાનના સ્વરૂપને તેણે જાણનાર પ્રતિ વાળી દીધું છે, પરજ્ઞેયથી હઠાવીને મતિજ્ઞાનના સ્વરૂપને સ્વજ્ઞેયમાં જોડી દીધું છે. આવો માર્ગ અને આવી વિધિ છે. બાપુ! એને જાણ્યા વિના એમ ને એમ અવતાર પૂરો થઈ જાય છે! અરેરે! આવું સત્ય સ્વરૂપ સાંભળવા મળે નહિ તે બિચારા કે દિ ધર્મ પામે? કેટલાક તો મિથ્યાત્વને અતિ પુષ્ટ કરતા થકા સંપ્રદાયમાં પડયા છે. અહા! ક્રિયાકાંડના રાગમાં તેઓ બિચારા જિંદગી વેડફી નાખે છે!
અહીં કહે છે કે મતિજ્ઞાન જે મન અને ઇન્દ્રિયો દ્વારા પર પદાર્થ પ્રતિ ઝુકેલું હતું તેને ત્યાંથી વાળીને આત્મસંમુખ કર્યું છે એવો થયો છે. આ એક વાત થઈ. હવે બીજી વાત કરે છે-