સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૮૩ કરતો હોવાથી તે કર્તા જ છે. રાગનો કરનારો અને રાગનો રચનારો જ તે છે.
પરંતુ જ્યારે પરદ્રવ્યને હું જાણું જ છું એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમે છે. એટલે કે તે જીવ જ્ઞપ્તિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયના પરિણમનમાં સ્વને જાણતાં પરને પણ, પરની હયાતીને પણ પોતાના જ્ઞાનની પર્યાયના સામર્થ્યથી જાણે જ છે. આ જ્ઞાતાભાવરૂપ પરિણમનની જ્ઞપ્તિક્રિયા કરતો હોવાથી તે જ્ઞાતા જ છે.
‘અહીં કોઈ પૂછે છે કે અવિરત સમ્યગ્દ્રષ્ટિ આદિને જ્યાંસુધી ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ?’
જુઓ, આ શીષ્યનો પ્રશ્ન છે. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનવાળાને ચારિત્રમોહના ઉદયથી રાગ તો છે, અને તમે તેને જ્ઞાતા જ કહો છો. તો તે કેવી રીતે છે? જો રાગ છે તો તે રાગનો કર્તા કહેવાય કે નહિ? જ્ઞાનીને હજુ રાગ-દ્વેષના પરિણામ થાય છે. ધમસાણ યુદ્ધ ચાલતું હોય ત્યાં જ્ઞાની ઊભો હોય છે, તો તે સંબંધીના રાગનો તે કર્તા છે કે નહિ?
ભરત અને બાહુબલીજી વચ્ચે યુદ્ધ થયું. બન્ને ક્ષાયિક સમકિતી અને તદ્ભવમોક્ષગામી હતા. બન્ને સામસામા જળયુદ્ધ, મલ્લયુદ્ધ, દ્રષ્ટિયુદ્ધમાં ઉતર્યાં. તો તે જાતના રાગદ્વેષના પરિણામના તે કર્તા ખરા કે નહિ? કોઈને વિષયવાસનાના પરિણામ થાય છે. ભરત ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણીઓ સાથે ભોગના પરિણામ હતા. ચારિત્ર ન હોય ત્યારે ભોગના પરિણામ હોય છે, તો તેનો તે કર્તા કહેવાય કે નહિ? આમ શિષ્યનો પ્રશ્ન છે.
તેનું સમાધાનઃ– ‘અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી; કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી.’
સમ્યગ્દ્રષ્ટિ વગેરે એટલે ચોથા, પાંચમા, છઠ્ઠાગુણસ્થાનવાળાની વાત છે. અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. રાગને કરું એવો અભિપ્રાય નથી. રાગનું પરિણમન છે પણ તે કરવા લાયક છે, કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી.
પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં કહ્યું છે કે જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે તેનો તે પોતે કર્તા છે એમ ર્ક્તૃનયથી જાણે છે. અહીં એ વાત નથી. અહીં તો દ્રષ્ટિપ્રધાન વાત છે. દ્રષ્ટિની પ્રધાનતામાં નિશ્ચયથી જ્ઞાનીને રાગનું કર્તાપણું નથી. જે અપેક્ષાથી વાત હોય તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.
સમયસારના ત્રીજા કળશમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે-મોહ નામના કર્મના ઉદયરૂપ વિપાકને લીધે જે રાગાદિ પરિણામોની વ્યાપ્તિ છે તેનાથી મારી પરિણતિ કલ્માષિત (મેલી) છે. તે આ સમયસારની વ્યાખ્યાથી જ મારી અનુભૂતિની પરમ વિશુદ્ધિ