સમયસાર ગાથા-૧૪પ ] [ ૨પ ૩૩-૩૩ સાગર સુધી બિચારો નરકના દુઃખમાં સડે; વા નિગોદમાં ચાલ્યો જાય. શું કર્મના ફળમાં ફેર નથી? અવશ્ય છે-એમ ભેદવાળા અજ્ઞાનીનો પક્ષ છે. આ પ્રમાણે અનુભવનો ભેદ હોવાથી કર્મ શુભ અને અશુભ એવા બે ભેદવાળું છે. વળી કહે છે-
‘કોઈ કર્મ મોક્ષમાર્ગને આશ્રિત છે (અર્થાત્ મોક્ષમાર્ગમાં બંધાય છે) અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.’
જુઓ, મોક્ષમાર્ગના પ્રસંગમાં (સાધકદશામાં) ધર્મી જીવને શુભભાવ હોય છે. માટે તે શુભભાવ મોક્ષમાર્ગના આશ્રયે છે અર્થાત્ શુભભાવ જેનું નિમિત્ત છે એવું શુભકર્મ મોક્ષમાર્ગના આશ્રયે બંધાય છે એમ અજ્ઞાનીનો મત છે. તથા અશુભકર્મ બંધમાર્ગના આશ્રયે છે. આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મ શુભ અને અશુભ એમ બે ભેદવાળું છે.
‘આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય-એ ચાર પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે એમ કેટલાકનો પક્ષ છે.’ કેટલાકનો એટલે અજ્ઞાનીઓનો આવો ભેદ-પક્ષ છે.
હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છેઃ-
‘જીવના શુભ અને અશુભ પરિણામ બન્ને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે.’
શું કહ્યું આ? ભાઈ! તું નવા કર્મબંધનમાં (નિમિત્ત એવા) જીવના પરિણામના એક શુભ પરિણામ અને એક અશુભ પરિણામ એમ બે ભેદ પાડે છે પણ અમે તને કહીએ છીએ કે એ બન્નેય પરિણામ અજ્ઞાનમય છે અને તેથી એક જ જાતના છે. અરે ભાઈ! એ શુભાશુભ પરિણામમાં ચૈતન્યનું-જ્ઞાનનું કિરણ કયાં છે! એ તો બન્નેય આંધળા અજ્ઞાનમય છે. શુભમાં કાંઈ ઓછું અજ્ઞાન અને અશુભ પરિણામમાં વિશેષ અજ્ઞાન એમ પણ નથી. બન્ને સમાનપણે અજ્ઞાન છે, અંધ છે; માટે બેમાંથી એકેય ધર્મરૂપ નથી. શુભાશુભ ભાવથી રહિત જે જ્ઞાન (ચૈતન્યમય પરિણામ) છે તે ધર્મ છે અને શુભાશુભભાવ અજ્ઞાનમય હોવાથી અધર્મ છે. આવી સ્પષ્ટ વાત છે; સમજાણું કાંઈ...?
આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પ્રૌષધ ઇત્યાદિ જે બધા કરે છે તે રાગની મંદતાનો શુભભાવ છે, પણ તે કાંઈ ધર્મ-બર્મ નથી. હા, એ પુણ્યભાવ છે અને એને અહીં ત્રિલોકીનાથ ભગવાન અજ્ઞાન કહે છે. ભગવાન! તારું સ્વરૂપ તો ચિદાનંદરૂપ સદાય જાગૃત ચૈતન્યજ્યોતિમય જ્ઞાનસ્વભાવમય છે. અને આ શુભાશુભભાવ તારા ચૈતન્યસ્વભાવથી વિપરીત ભાવ છે. માટે અમે એ બન્નેને અજ્ઞાન કહીએ છીએ.