૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
આચાર્ય અમૃતચંદ્રદેવે પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે કે સમકિતી સંતને જે શુભભાવથી તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. અહીં એને અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન એટલે જેમાં જ્ઞાનનો અંશ નથી તો અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ નહિ; પણ ચૈતન્યપ્રકાશનો પરિપૂર્ણ પુંજ એવા ભગવાન આત્માના ચૈતન્યપ્રકાશનું એક કિરણ પણ શુભરાગમાં નથી માટે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. ભાઈ! અજ્ઞાનમય એવો શુભરાગ પોતે મિથ્યાત્વ નથી, પણ એનાથી ધર્મ થાય એવી માન્યતા મિથ્યાત્વ છે. આ પ્રમાણે અજ્ઞાન અને મિથ્યાત્વમાં ફેર છે.
પ્રશ્નઃ– તો ભાવપાહુડમાં સમકિતીને જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય એવી સોળ ભાવના ભાવવાનું કથન આવે છે ને?
ઉત્તરઃ– હા, આવે છે; પણ એ તો બધો ત્યાં વ્યવહારનય દર્શાવ્યો છે; અર્થાત્ સમકિતીને તે તે સમયે જે (સોલહકારણનો) ભાવ હોય છે તેને ત્યાં જણાવ્યો છે. પણ એ બધો વ્યવહાર-રાગ અજ્ઞાનભાવ છે, બંધનું કારણ છે; અધર્મ છે. હવે આવી વાત આકરી પડે, પણ શું થાય! ભાઈ! જે ભાવે બંધ થાય તે ભાવ ધર્મ નથી એટલે કે તે અધર્મ છે.
ભગવાન આત્મા સદા અબંધસ્વરૂપ-મુક્તસ્વરૂપ જ છે. શ્રીમદ્ રાજચંદ્રમાં આવે છે કે દિગંબર આચાર્યોએ આત્માનો મોક્ષ થાય એમ માન્યું નથી પણ મોક્ષ જણાય છે. અર્થાત્ સમજાય છે કે આત્મા મોક્ષસ્વરૂપ જ છે. જ્યારે રાગથી મુક્ત થઈને મુક્તસ્વરૂપની પ્રતીતિ કરી ત્યાં એ પ્રતીતિમાં જણાયો કે આ (આત્મા) તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થાય એ તો પર્યાયની અપેક્ષાએ વાત છે. નિશ્ચયથી વસ્તુમાં (આત્મદ્રવ્યમાં) બંધ-મોક્ષ છે જ નહિ. પર્યાયમાં હો, વસ્તુ તો સદા મુક્ત જ છે. આવો મુક્તસ્વભાવ શુભભાવમાં આવતો નથી, જણાતો નથી. માટે તેને-બંધભાવને અજ્ઞાનભાવ કહેવામાં આવ્યો છે. આ પ્રમાણે અશુભની જેમ શુભભાવ પણ અજ્ઞાનમય હોવાથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે. હવે કહે છે-
૨. ‘શુભ અને અશુભ પુદ્ગલપરિણામો બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે.’
લ્યો, શાતા હોય કે અશાતા હોય, બેય પુદ્ગલ જ છે એમ કહે છે. બેય કર્મ પુદ્ગલસ્વભાવમય જ છે કેમકે બન્ને પુદ્ગલ પરમાણુની પર્યાય છે. ભાઈ! કર્મની ૧૪૮ પ્રકૃતિ સઘળીને ઝેરનાં ઝાડ કહ્યાં છે કેમકે એનાં ફળ ઝેર છે. એક ભગવાન આત્મા જ અમૃતસ્વરૂપ છે. પુણ્યબંધરૂપ જે પુદ્ગલરજકણો છે તે ઝેરરૂપ છે. શુભભાવ ઝેરસ્વરૂપ છે તો એનાથી જે બંધન થાય એ પણ ઝેરસ્વરૂપ છે. ગજબ વાત છે ભાઈ! વ્યવહારના પક્ષવાળાને આકરી લાગે; એને એમ કે અમે આટલો વ્યવહાર (ક્રિયાકાંડ)