પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પરમાત્મપદ અંદર ગુપ્ત છે; ખરેખર તે ઢંકાયું છે એમ નથી, પણ શક્તિપણે ગુપ્ત છે. પર્યાયમાં રાગનો સંબંધ છે; રાગનો પ્રેમ છે એ ભાવઆવરણ છે અને દ્રવ્યઆવરણ (જડ કર્મ) તો એનું નિમિત્ત છે. આચાર્ય કહે છે-માટે ચિત્તમાં-મનમાં ઊંડે ઊંડે પણ રાગ પ્રત્યે પ્રેમ કરીશ નહિ. આગળ ગાથા ૧૪૮ માં આવશે-‘कुच्छियसीलं जणं वियाणित्ता’-આ કુશીલિયો છે, વ્યભિચારી છે એમ જાણીને સત્પુરુષો એનો સંગ-સંસર્ગ કરતા નથી તેમ સત્પુરુષ (સત્+પુરુષ) અર્થાત્ સત્સ્વરૂપ નિજ શુદ્ધ આત્માના આશ્રયે જેને સત્ જીવન જીવવું છે તેણે કુશીલ એવા રાગનો સંસર્ગ ન કરવો જોઈએ. માટે કહે છે-ભાઈ! चित्तगतं रागं मा कुरु–મનમાં ઊંડે ઊંડે પણ રાગની પ્રીતિ મા કર. ભાઈ! આ તારા હિતની વાત છે પ્રભુ!
અજ્ઞાની જીવ અનાદિથી કષાયનું-રાગનું સેવન કરી-કરીને ખુશી થઈ રહ્યો છે. તે શુભભાવરૂપ વ્રત, તપ ઇત્યાદિ કરે છે અને તેની ઉજવણી કરીને રાજી થાય છે. વળી સગાંસંબંધીઓ ભેગાં થાય તે પણ રાજીપો દર્શાવે છે અને અનુમોદન આપે છે. તેને અહીં સદ્ગુરુ કહે છે કે-ભાઈ! એ શુભરાગરૂપ જે કષાય છે તે અગ્નિ છે, આગ છે. તે તારા જીવને (પર્યાયમાં) બળતરા કરનારી છે, દુઃખદાયક છે. એમાં ખુશી થવા જેવું નથી ભાઈ! માટે શુભરાગનો સ્નેહ તું છોડી દે. ભગવાન! આ તારા હિતની વાત છે હોં. પ્રભુ! તને તારી પ્રભુતાની ખબર નથી! અંદર તું પરમેશ્વર સ્વરૂપે બિરાજે છે ને નાથ! આ રાગની પામરતા એ તારું પદ નથી. એ રાગની રુચિની આડમાં તને તારું નિજપદ-પરમેશ્વરપદ જણાતું નથી માટે તું રાગનાં રુચિ અને સંસર્ગ છોડી દે.
જુઓ, ‘આ રાગનો સંસર્ગ ન કરવો’ એનું સ્પષ્ટીકરણ ચાલે છે. ગાથામાં પદ પડયું છે ને કે-‘साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण’–કુશીલના સંસર્ગ અને રાગથી સ્વાધીનતાનો નિયમથી નાશ થાય છે. એનો અહીં આ અર્થ કર્યો કે ‘શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. ‘સ્વાધીનતાના નાશ’ નો અહીં અર્થ કર્યો કે એ બંધનાં કારણ છે. અહાહા...! સ્વાધીનતા શુદ્ધ અબંધસ્વરૂપ છે; એની પર્યાયમાં આ રાગ જે બંધનું કારણ છે તે પરાધીનતા છે. ભગવાન! તારું સ્વાધીન અબંધ પરમેશ્વરપદ છે એમાં આ શુભરાગનો પ્રેમ તારી સ્વાધીનતાનો નાશ કરે છે, તને બંધનમાં નાખી પરાધીન કરે છે. અહાહા...! જુઓ આ સંતોની વાણી!!-
‘‘જાગીને જોઉં તો જગત દીસે નહિ, અજ્ઞાનમાં અટપટા ખેલ દિખે.’’ સ્વરૂપમાં સાવધાન થઈને જુએ એને રાગ ને વિકલ્પને આખુંય જગત કયાં જણાય છે? કેમકે જગદીશમાં જગત અને જગતમાં જગદીશ પરમાર્થે છે જ નહિ ને. આ રાગ મારો