સમયસાર ગાથા-૧પ૦ ] [ ૭પ સિદ્ધા શરણં-એમ બોલે છે ને? ભાઈ! એ તો બધી વ્યવહારની વાતો છે. અહીં તો નિશ્ચય શરણ શું છે એની વાત છે. અરિહંતાદિનું શરણ લેવા જતાં તો વિકલ્પ ઊઠે છે અને એ વિકલ્પ શુભરાગ છે; અને એ શુભરાગ બંધનું કારણ હોવાથી સર્વજ્ઞદેવોએ નિષેધ્યો છે.
અનંતા જિનભગવંતોએ દિવ્યધ્વનિ દ્વારા કહેલી વાત આ છે. ભગવાન મહાવીર આદિ તીર્થંકરો તો મોક્ષમાં પધાર્યા છે અને સિદ્ધપદે બિરાજે છે. પણ મહાવિદેહક્ષેત્રમાં સીમંધર આદિ તીર્થંકરો અત્યારે સાક્ષાત્ બિરાજે છે. પ૦૦ ધનુષ્યનો દેહ તથા ક્રોડ-પૂર્વનું આયુષ્ય છે, અરિહંતપદે બિરાજે છે. તેમની સમોસરણસભામાં મુનિવરો, સ્વર્ગના ઇન્દ્રો, ચક્રવર્તી, રાજા- મહારાજાઓ, શ્રાવક-શ્રાવિકાઓ, સિંહ, વાઘ અને સર્પ ઇત્યાદિ જીવો વાણી સાંભળવા આવે છે. તે વાણીમાં ભગવાન જે કહે છે તે આ છે. મહાન દિગંબર સંત ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં સીમંધરનાથ પાસે ગયા હતા, આઠ દિવસ ત્યાં રહ્યા હતા. આઠ દિવસ ભગવાનની વાણી છ ઘડી સવારે, છ ઘડી બપોરે, છ ઘડી સાંજે છૂટે છે તે સાંભળી આગળપાછળના વખતમાં ત્યાંના શ્રુતકેવળીઓ સાથે ચર્ચા-વાર્તા કરી અહીં ભરતમાં પાછા આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. એમાં આ ભગવાનનો સંદેશ છે એમ કહે છે-
શું કહે છે? કે અશુભ આચરણની જેમ શુભ આચરણરૂપ કર્મનો નિષેધ કરવામાં આવતાં મુનિઓ કાંઈ અશરણ થઈ જતા નથી. આ પંચાચાર-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર-એ શુભાચારનો નિષેધ થઈ જતાં મુનિઓ શું આચરણ પાળશે એમ અશરણ થઈ જતા નથી; પરંતુ અંદર નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જે ત્રિકાળ બિરાજે છે તેના જ્ઞાનમાં આચરણ કરવું, તેના શ્રદ્ધાનમાં આચરણ કરવું, એની સ્થિરતામાં આચરણ કરવું, ઇચ્છા નિરોધરૂપ આનંદમાં આચરણ કરવું અને વીર્યની શુદ્ધતાની રચનામાં આચરણ કરવું-આ પ્રમાણે અતીન્દ્રિય આનંદની રમણતારૂપ પંચાચાર તેઓ પાળતા હોય છે. આવું નિષ્કર્મ અવસ્થારૂપ સ્વરૂપનું આચરણ મુનિઓને હોય છે તેથી તેઓ અશરણ નથી.
અહાહા...! મુનિદશા-ચારિત્રની દશા કોઈ અલૌકિક હોય છે! મુનિવરો બહારમાં વસ્ત્રથી રહિત અને અંદર રાગના વિકલ્પથી રહિત શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં મગ્ન થઈને આનંદરૂપી અમૃતના ઘૂંટડા પીતા હોય છે. જેમ કોઈ શેરડીનો મીઠો રસ ગટક-ગટક ઘૂંટડા ભરી-ભરીને પીએ તેમ આ ધર્મી પુરુષો અંતરમાં અતીન્દ્રિય આનંદનો રસ ગટક-ગટક ઘૂંટડા ભરીભરીને પીએ છે. તેમને એમાંથી બહાર નીકળવું ગોઠતું નથી. અહો! ધન્ય એ ચારિત્રદશા! આ ધર્મ અને આ ચારિત્રદશા છે અને એને અહીં નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તન કહ્યું છે.
હવે કહે છે-‘तदा’ જ્યારે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તે છે ત્યારે ‘ज्ञाने प्रतिचरितम्