Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1547 of 4199

 

૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

સમાધાન એમ છે કે મોક્ષ થવા પહેલાં પૂર્વવર્તી પર્યાય શું હતી તે બતાવવા સારુ પૂર્વની (મોક્ષમાર્ગની) પર્યાયને ઉત્તર પર્યાય (મોક્ષ) નું કારણ કહે છે. બાકી પૂર્વ પર્યાય જે વ્યયરૂપ - અભાવરૂપ છે એનાથી મોક્ષરૂપ ઉત્તરપર્યાયનો ઉત્પાદરૂપ ભાવ કેવી રીતે થાય? (ન જ થાય). એટલે પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનું ખરેખર કારણ નથી, પણ પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવવા એને વ્યવહારથી કારણ કહેવામાં આવે છે.

અહો! જૈનદર્શનની આ કોઈ અદ્ભુત સ્યાદ્વાદ શૈલી છે! ‘સ્યાત્’ એટલે કોઈ અપેક્ષાએ, ‘વાદ’ કહેતાં કથન-એમ કોઈને કોઈ અપેક્ષાએ કથન કરનારી આ સ્યાદ્વાદ શૈલી પરમ આશ્ચર્યકારી અને સમાધાનકારી છે. ભાઈ! જે નયથી કથન હોય એને યથાર્થ સમજવું જોઇએ. શાસ્ત્રના અર્થ કરવા માટે પાંચ બોલ આવે છે ને? શબ્દાર્થ, નયાર્થ, આગમાર્થ, મતાર્થ, અને ભાવાર્થ. શબ્દનો અર્થ કરવો તે શબ્દાર્થ, આ વ્યવહારનયનું કથન છે કે નિશ્ચયનયનું એ નક્કી કરી સમજવું તે નયાર્થ, આ આગમનું વાકય છે એમ જાણવું તે આગમાર્થ, આ અન્યમતનો કઈ રીતે નિષેધ કરે છે એ સમજવું તે મતાર્થ અને એનું તાત્પર્ય શું છે એ જાણવું તે ભાવાર્થ. આમ પાંચ રીતે વાકયનો અર્થ નક્કી કરવો તે સૂત્ર-તાત્પર્ય, અને શાસ્ત્ર-તાત્પર્ય વીતરાગતા બતાવ્યું છે. અનુભવ પ્રકાશમાં આવે છે કે-સૂત્ર તાત્પર્ય સાધક છે અને શાસ્ત્ર- તાત્પર્ય (-વીતરાગતા) સાધ્ય છે.

શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે; તે સાધ્ય છે અને સૂત્રતાત્પર્ય સાધક છે. મતલબ કે જે ગાથાસૂત્ર ચાલતું હોય તેના અર્થ ઉપરાંત તેમાંથી શાસ્ત્રના તાત્પર્યરૂપ વીતરાગતા કાઢવી જોઈએ. એ વીતરાગતા કેમ થાય? તો કહે છે-પરની-નિમિત્ત, રાગ અને પર્યાયની ઉપેક્ષા કરીને સ્વની-ત્રિકાળ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મદ્રવ્યની અપેક્ષા કરે ત્યારે વીતરાગતા ઉત્પન્ન થાય છે. નિમિત્ત, રાગ કે પર્યાયના લક્ષે વીતરાગતા થતી નથી. તેથી સ્વની અપેક્ષા અને પરની ઉપેક્ષા જેમાં થાય તે શાસ્ત્ર-તાત્પર્ય છે.

હવે આવી વાત સમજવાનો વખત કોને છે? એને એવી નિવૃત્તિ કયાં છે? આખો દિ વેપાર આદિ પાપના ધંધા કરે, બે ત્રણ કલાક બાયડી-છોકરાં સાથે રમતમાં જાય, બે કલાક ખાવામાં જાય અને છ-સાત કલાક ઊંઘમાં જાય. હવે આમાં એને કયાં નવરાશ મળે? પણ આ બધામાં આત્માનું શું છે ભાઈ? અરેરે! એનું શું થશે? આ કાળે જો નહિ સમજે તો કે દિ સમજશે પ્રભુ! આવો અવસર કયાં મળશે? શ્રી ટોડરમલજીએ તો કહ્યું છે કે-‘સબ અવસર આ ચુકા હૈ’-બધો અવસર આવી મળ્‌યો છે. અહા! સાચી જિનવાણી સાંભળવાનો યોગ મળ્‌યો ત્યાં સુધી તો તું આવી ગયો છો. માટે હે ભાઈ! તું અંતર્દ્રષ્ટિ કર અને જ્યાં આ આત્મા ભગવાન સ્વરૂપે પોતે વિરાજી રહ્યો છે ત્યાં જો. અહીં જે પરમ પદાર્થ કહ્યો તે નિશ્ચયથી સચ્ચિદાનંદસ્વરૂપ પોતે પરમાત્મા છે અને એના અવલંબનથી જે પરિણતિ થાય એ મોક્ષનું કારણ છે.