સમયસાર ગાથા-૧પપ ] [ ૧૨પ આત્મા. પણ ભાઈ! શું આત્મા કદી બોલે છે? (ના). આ જે બોલે-ચાલે છે એ તો જડ છે. અને આ જે ઉપદેશ-ઉપવાસાદિના પરિણામ છે એ આસ્રવ તત્ત્વ છે, અને એ પણ જડ અજીવ તત્ત્વ છે. એ જડ અજીવ તત્ત્વ સદા ચેતનસ્વભાવી એવા ભગવાન આત્મામાં કેમ હોય? (નથી જ). અને તો એ વડે ધર્મ કેમ થાય? (ન જ થાય).
ભાઈ! ધર્મ તો આત્મરૂપ છે. અહીં કહ્યું ને કે-વીતરાગી સમ્યગ્દર્શન, વીતરાગી જ્ઞાન અને વીતરાગી ચારિત્ર એ ત્રણેય વીતરાગસ્વભાવી ભગવાન આત્માનું ઘર છે, એટલે આત્માનું ઘર છે. રહેઠાણ છે. (ભવનનો એક અર્થ ઘર-રહેઠાણ થાય છે.) રાગ અને પુણ્યના પરિણામ એ આત્માનું ઘર-સ્થાન નથી. એ તો પરઘર છે. ઉપદેશ-ઉપવાસાદિ પુણ્યની ક્રિયા પરઘર છે. આ લોકો મોટાં તપ કરે, એની ઊજવણી કરે, વરઘોડા કાઢે અને લોકો ભેગા થઈને બહુ ભારે ધર્મ કર્યો એમ વખાણ કરે, પણ ભાઈ! એ તો બધો રાગમાં રહે તે આત્મા નહિ. રાગ તો પરઘર છે અને પરઘરમાં રહેવાનો અભિપ્રાય તો મિથ્યાત્વ છે. આત્માનું સ્વઘર તો વીતરાગતા છે. વીતરાગતામાં વસે તે આત્મધર્મ છે.
ગાથા ૧પ૩ માં આવી ગયું કે-વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિ શુભકર્મો રાગ છે, અને એ બધાં હોવા છતાં અજ્ઞાનીઓને મોક્ષનો અભાવ છે. અજ્ઞાનીઓને વળી તપ કેવું? તપ તો એને કહીએ જેમાં ભગવાન આત્મા, અંતર્મુખાકાર પરિણતિ વડે ઇચ્છાઓનો નિરોધ થવાથી અતીન્દ્રિય આનંદરસના-અમૃતના સ્વાદના અનુભવથી પરિતૃપ્ત હોય. આવી શુદ્ધ ચૈતન્યના પ્રતપનરૂપ આનંદની દશાને તપ કહે છે. અજ્ઞાનીનું તપ તો વૃથા કલેશ છે. ભાઈ! વ્રત, તપ, શીલ, ઇત્યાદિ રાગમાં જે ધર્મ માને છે એને તો મિથ્યાત્વનું મહાપાપ થાય છે. ભગવાન જિનેશ્વરદેવના માર્ગમાં તો વીતરાગતા વડે જ ધર્મ કહેલો છે. રાગ વડે ધર્મ થવાનું માનનારા જિનમાર્ગમાં નથી; એમનો તો એ કલ્પિત માર્ગ છે, એ તો અજ્ઞાનીનો માર્ગ છે.
જુઓ, અહીં શું કહ્યું છે? કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેય એકલું જ્ઞાનનું ભવન જ છે. આત્માનું એકલું વીતરાગતારૂપ થવું-પરિણમવું એ જ શુદ્ધ રત્નત્રય છે. અહાહા...! એક લીટીમાં કેટલું ભર્યું છે! રાગમાં રત્નત્રય નહિ અને રત્નત્રયમાં રાગ નહિ. ગજબ વાત છે ભાઈ! હવે આવો (અદ્ભુત) માર્ગ! કહે છે-‘માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે’. અહાહા...! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદપણે પરિણમે એ એક જ મોક્ષનો માર્ગ છે. કોઈ વળી બે મોક્ષમાર્ગ કહે છે તેનો અહીં સ્પષ્ટ નિષેધ કર્યો છે. જ્ઞાન જ એટલે વીતરાગસ્વભાવી ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા નિર્વિકારપણે-વીતરાગપણે પરિણમે તે એક જ મોક્ષનું કારણ છે. લ્યો, આ સારસાર વાત કહી.