Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1659 of 4199

 

૧૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નિર્મળ શ્રદ્ધાન અને અતીન્દ્રિય આનંદના વેદન સહિત આત્મપ્રતીતિ અને જ્ઞાન હતાં. અહીં એ સમકિત અને આનંદ જે હતાં એ તો મોક્ષનું કારણ કહ્યું અને જે અવશેષ રાગ હતો એને બંધનું કારણ કહ્યું. આ રીતે જ્ઞાનીને એકસાથે કર્મધારા અને જ્ઞાનધારા બન્ને હોય છે, કેવળીને એકલી જ્ઞાનધારા છે અને અજ્ઞાનીને એકલી કર્મધારા હોય છે. આશય એમ છે કે-જ્ઞાનીને જેટલી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ થાય તે એકાન્તે મોક્ષનું જ કારણ છે, બંધનું નહિ અને તેને જેટલો શુભાશુભ રાગ છે તે એકાન્તે બંધનું જ કારણ છે અને બીલકુલ મોક્ષનું નહિ.

* કળશ ૧૧૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્યાં સુધી યથાખ્યાતચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિને બે ધારા રહે છે- શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા.’

શું કહ્યું? કે સમ્યગ્દ્રષ્ટિને આત્માનું દર્શન થયું, ભાન (-જ્ઞાન) થયું અને અંશે શુદ્ધનું પરિણમન પણ થયું પણ પરિપૂર્ણ શુદ્ધનું પરિણમન-યથાખ્યાતચારિત્ર ન થાય ત્યાં સુધી બે ધારા રહે છે; એક શુભાશુભ કર્મધારા એટલે રાગધારા અને બીજી જ્ઞાનધારા. અહીં રાગધારામાં એકલી શુભ લીધી નથી પણ શુભ અને અશુભ બેય હોય છે અને જ્ઞાનધારા, રાગથી ભિન્ન એવી આત્મજ્ઞાનની ધારા પણ વહે છે.

‘તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી.’

શુદ્ધ ચૈતન્યસ્વભાવના અવલંબનથી પ્રગટેલી સમ્યગ્દર્શનની જ્ઞાનધારા અને પરના અવલંબનથી પ્રગટેલી શુભાશુભ ભાવની રાગધારા-એ બેય એક સમયે રહેવામાં વિરોધ નથી. જેમ સમ્યગ્જ્ઞાન અને મિથ્યાજ્ઞાનને સાથે રહેવામાં પરસ્પર વિરોધ છે એમ અહીં નથી. જેમ મિથ્યાજ્ઞાન હોય ત્યાં સમ્યગ્જ્ઞાન ન હોય અને સમ્યગ્જ્ઞાન હોય ત્યાં મિથ્યાજ્ઞાન ન હોય એવું અહીં નથી. અહીં તો કર્મસામાન્ય એટલે પુણ્ય-પાપના ભાવ અને જ્ઞાનને સાથે રહેવામાં વિરોધ નથી એમ કહે છે.

સમકિતીને ચોથે ગુણસ્થાને લડાઈના ભાવ પણ હોય છે અને પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન હોય છે. એ અશુભ રાગની ધારા છે, અને સમ્યગ્દર્શન-જ્ઞાન અને અંશે સ્થિરતા છે તે જ્ઞાનધારા છે. રાગની અશાંતિની ધારા છે અને સમ્યગ્દર્શન-જ્ઞાનની શાંતિની ધારા છે. હવે કહે છે-

‘તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે.’

આવી સ્થિતિમાં કર્મ એટલે પુણ્ય-પાપના ભાવ બંધનું કાર્ય કરે છે અને સ્વભાવના અવલંબને પ્રગટેલાં જે દર્શન-જ્ઞાન તે શુદ્ધતા અને શુદ્ધતાની વૃદ્ધિનું અર્થાત્ સંવર-નિર્જરાનું કામ કરે છે. સાધકને એક સમયે બેય હોય છે અને બેયનું કામ ભિન્ન-ભિન્ન છે.