૨૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ આત્માને જાણતા નથી અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરમાં તત્પર રહે છે. આ વ્યવહાર સમકિત-જ્ઞાન-ચારિત્ર એ બધું ક્રિયાકાંડ છે. દેવ-શાસ્ત્ર-ગુરુની રાગરૂપ શ્રદ્ધા ક્રિયાકાંડ છે, શાસ્ત્રનું ભણતર અને વ્રતાદિનું આચરણ એ બધું ક્રિયાકાંડ છે. રાગ છે ને? વ્યવહારરત્નત્રયની બધી રાગની ક્રિયા છે અને તે ક્રિયાકાંડ જ છે.
હવે આ ક્રિયાકાંડનો મોટો આડંબર રચે. મહિના-મહિનાના ઉપવાસ કરે ને વ્રત કરે ને તપ કરે ને વળી એનાં ઉજમણાં કરે, વરઘોડા કાઢે-એ બધો ક્રિયાકાંડનો આડંબર છે. ભગવાનની પાસે ભક્તિમાં માગે કે મને મોક્ષ આપો અને આઠ-દસ કલાક શાસ્ત્ર વાંચે ને સામાયિક-પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરે એ બધો ક્રિયાકાંડનો-રાગની ક્રિયાનો આડંબર છે. અહીં કહે છે-કેટલાક લોકો એને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે, તેનો પક્ષપાત કરે છે. એટલે એમ કે આ ક્રિયાકાંડના વ્યવહારથી કદીક નિશ્ચય પ્રગટ થશે એમ જાણી વ્યવહારરત્નત્રયમાં તત્પર રહે છે. અશુભથી તો શુદ્ધ ન થાય પણ શુભ કરતાં કરતાં શુદ્ધ ઉપયોગ થઈ જશે એમ જાણી વ્રત, નિયમ, તપ, શીલ, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવમાં તત્પર રહે છે. આવા લોકો કર્મનયના, એકાંત પક્ષપાતી છે, મિથ્યાદ્રષ્ટિ છે. હવે કહે છે-
‘આવા કર્મનયના પક્ષપાતી લોકો-જેઓ જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદખિન્ન છે તેઓ-સંસારમાં ડૂબે છે.’
જુઓ, આવા લોકો જ્ઞાનને કહેતાં ક્રિયા-રાગથી રહિત પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણતા નથી-અનુભવતા નથી અને માત્ર કર્મ એટલે શુભરાગની ક્રિયામાં રચ્યા-પચ્યા રહી ખેદખિન્ન થાય છે. જુઓ, શુભરાગ છે તે ખેદરૂપ-દુઃખરૂપ છે, કેમકે તે આત્માની નિરાકુળ શાન્તિનો ક્ષય કરે છે. શુભભાવમાં ભગવાન આત્માની શાન્તિનો ક્ષય થાય છે. માટે જેઓ શુભરાગના પક્ષપાતી જીવો છે તેઓ સંસારમાં ડૂબે છે, સંસારમાં ૮૪ ના અવતાર કરી-કરીને રઝળે છે. આ એક પ્રકારના લોકોની (વ્યવહારાભાસી મિથ્યાદ્રષ્ટિઓની) વાત થઈ.
હવે બીજી (નિશ્ચયાભાસી મિથ્યાદ્રષ્ટિઓની) વાત કરે છે. જેઓ જ્ઞાનની વાતો કરે છે પણ જ્ઞાનની સન્મુખ થતા નથી એમની વાત કરે છે. કહે છે-
‘વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે.’
જ્ઞાન એટલે આત્મા પોતે સદાય જ્ઞાતા-દ્રષ્ટારૂપે છે એની તેઓને ખબર નથી, એનો અનુભવ પણ નથી અને ખાલી એનો પક્ષપાત કરે છે.