સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૧૭
પ્રશ્નઃ– આપ ધનાદિ સંપત્તિ વગેરેને ધૂળ-માટી કહો છો પણ એના વિના શું ચાલે છે?
ઉત્તરઃ– એના વિના ન ચાલે એ તારી માન્યતા ભ્રમ અને અજ્ઞાન છે. એ તો કહ્યું હતું એક ફેરા કે સ્વદ્રવ્ય (-જીવ) અનંતા પરદ્રવ્ય (પુદ્ગલાદિ સર્વ)ના અભાવથી જ ટકી રહ્યું છે. જુઓ, આ બે આંગળી છે ને? તેમાં આ એકમાં બીજીનો અભાવ છે. બીજીનો અભાવ છે તો આ એક પોતાના ભાવે ટકી રહી છે. તેમ સચ્ચિદાનંદ નિર્મળાનંદસ્વરૂપ આ ચૈતન્ય મહાપ્રભુમાં કર્મ-દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્માદિનો અભાવ છે એટલે એ ત્રિકાળ અસ્તિપણે ટકી રહ્યો છે. ભાઈ! આ શરીર, બાયડી-છોકરાં અને ધૂળના (-ધનના) ઢગલા-એ બધાનો એમાં અભાવ છે, સદાકાળ અભાવ છે. એ બધાના વિના જ એનું જીવન ચાલે છે એટલે એ ટકી રહ્યો છે. વસ્તુ સદાય પોતાના ભાવથી અને પરના અભાવથી સ્વયં ટકી રહી છે. (જો આત્મા ધનાદિ પરભાવથી ટકે તો બે એક થઈ જતાં આત્માનો અભાવ થઈ જાય). હવે આવી વાત છે ત્યાં આના વિના ન ચાલે એમ માનનારા તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, સંસારમાં ચારગતિમાં રઝળનારા- રખડનારા છે. સમજાણું કાંઈ...!
પ્રશ્નઃ– આ છોકરા પૈસા-બેસા રળે ત્યારે (ધંધામાંથી) નિવૃત્તિ મળે ને?
ઉત્તરઃ– આ પૈસા-બૈસા તો ધૂળેય નથી, સાંભળને. એ કાંઈ જીવનું જીવતર છે? જીવનું જીવતર તો ચૈતન્યપ્રાણ વડે છે, ધૂળ વડે નહિ; એનો તો જીવમાં અત્યંત અભાવ છે. અને નિવૃત્તિ તો અંદર જે પુણ્ય-પાપના વિકલ્પો થાય છે તેનાથી નિવૃત્ત થતાં-વિરત્ત થતાં થાય છે. જેમાં જન્મ-મરણના અંત આવે એને નિવૃત્તિ કહીએ. ભગવાન આત્માની સહજ-પ્રાપ્ત પરમાનંદમય દશા તે નિવૃત્તિનો-મોક્ષનો માર્ગ છે. બાકી આ કરો ને તે કરો, વ્રત કરો ને દયા કરો એ બધો સંસારનો માર્ગ છે.
જિન ભગવાનના માર્ગમાં તો જિનમુનિ પુણ્ય-પાપની ભાવના છોડીને અંતર ચૈતન્યસ્વરૂપમાં ઉગ્ર લીનતા કરી પુણ્ય-પાપરહિત થઈને મોક્ષ પધારે છે. તે રાગની રમત છોડીને શુદ્ધ ચૈતન્યની રમતમાં સાવધાન થઈ ઉગ્ર પુરુષાર્થ વડે સર્વરાગરહિત વીતરાગપદને પ્રાપ્ત થઈ જાય છે-એમ કહે છે. આ અધિકાર પૂરો થયો, લ્યો.
આ પ્રમાણે ભગવાન કુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસાર શાસ્ત્ર પરનાં પરમ કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનનો ત્રીજો પુણ્ય-પાપ અધિકાર સમાપ્ત થયો. ઇતિ.