હવે એનું કારણ આપે છે-કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. જેનાથી તરાય એ તીર્થ છે. અંતરમાં મોક્ષમાર્ગની પર્યાય છે તે તીર્થ છે કેમકે એનાથી તરાય છે. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતાસ્વરૂપ જે રત્નત્રયની પર્યાય એ તીર્થ છે. એનાથી સંસાર તરાય છે. રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય તે વ્યવહાર છે. એ પર્યાય છે ને? તેથી તેને વ્યવહારધર્મ કહ્યો છે. શુભરાગ એ વ્યવહારધર્મ એ વાત અહીં નથી. ત્રિકાળી દ્રવ્ય જે નિષ્ક્રિય છે તે નિશ્ચય. તેની અપેક્ષાએ મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય તે વ્યવહાર છે. દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય અને પર્યાય તે વ્યવહારનયનો વિષય છે. કહે છે કે જો વ્યવહારનય ન હોય તો તેના વિષયભૂત તીર્થ અને તીર્થનું ફળ ક્યાં ગયું? પર્યાય ક્યાં ગઈ? તેથી મોક્ષનો માર્ગ તે તીર્થ છે, પાર થવું તે તીર્થનું ફળ છે. પૂર્ણ કેવળજ્ઞાન પામવું એ મોક્ષમાર્ગનું ફળ છે. કેવળજ્ઞાન પણ પર્યાય છે ને? પર્યાયને ન માનો તો મોક્ષમાર્ગ રહેતો નથી, અને મોક્ષમાર્ગનું ફળ જે કેવળજ્ઞાન અને સિદ્ધપદ તે પણ રહેતાં નથી, કેમકે એ પર્યાય છે. પર્યાય છે તે વ્યવહાર છે. માટે તીર્થ અને તીર્થફળની એવી જ વ્યવસ્થિતિ છે તે યથાર્થ જાણવી. વ્યવહારધર્મ તે તરવાનો ઉપાય છે તેથી કોઈ અહીં એમ કહે કે પુણ્યભાવ જે શુભરાગ તે વડે તરાય છે તો તેની વાત જૂઠી છે. શુભરાગ એ તો બંધનું કારણ છે, એ તો અસદ્ભૂત વ્યવહાર છે. અહીં તો સદ્ભૂત વ્યવહારની વાત છે. ત્રિકાળી જ્ઞાયકભાવનો આશ્રય લઈને જે નિર્મળ પર્યાય પ્રગટે તે સદ્ભૂતવ્યવહાર છે, તે મોક્ષમાર્ગ છે, અને તેનું ફળ જે કેવળજ્ઞાન એ સદ્ભૂત પૂર્ણદશા થઈ તે છે. બીજી જગ્યાએ કહ્યું કેઃ- “जइ जिणमयं एवज्जह ता मा ववहारणिच्छए मुयह।
આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય- એ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થં-વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે. જિનમતને એટલે કે વીતરાગ અભિપ્રાયને પ્રવર્તાવવા ઈચ્છતા હો તો વ્યવહાર અને નિશ્ચય બન્ને નયોને ન છોડો. વ્યવહાર નથી એમ ન કહો. વ્યવહાર છે. પણ ત્યાં (ગાથા ૧૧માં) અસત્ય કહ્યો હતો ને? એ તો ત્રિકાળ ધ્રુવ નિશ્ચયની વિવક્ષામાં ગૌણ કરીને અસત્ય કહ્યો હતો. બાકી વ્યવહાર છે, મોક્ષનો માર્ગ છે. વ્યવહારનય ન માનો તો તીર્થનો