સમયસાર ગાથા-૧૬૭ ] [ ૨૪પ તે ચારગતિમાં રખડી-રખડીને મરી જ જાય કેમકે સ્વરૂપનું અજ્ઞાન એ જ મહાપાપ છે. અહીં કહે છે-હું જ્ઞાનાનંદસ્વરૂપ છું, રાગ મારું સ્વરૂપ નથી એવી ખબર નહિ હોવાથી અજ્ઞાનમય ભાવ વડે જે રાગ કરવાને પ્રેરાય છે તે બંધનમાં જ પડે છે. સમજાણું કાંઈ...?
અહાહા...! આચાર્ય ભગવાન કેવી શૈલીમાં કહે છે! આત્મા તો ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. પણ એની જેને દ્રષ્ટિ થઈ નથી અને માત્ર પર્યાયબુદ્ધિએ અજ્ઞાનમય ભાવ જેને વર્તે છે તેને પર્યાયબુદ્ધિમાં રાગની જ ઉત્પત્તિ થાય છે, અને એ બંધનમાં જ પડે છે.
ભાઈ! ધર્મ અને ધર્મની પદ્ધતિ બહુ સૂક્ષ્મ છે. આ તો જન્મ-મરણનો મોટો ભવસમુદ્ર પાર કરવાની વાતો છે. ભગવાન એમ કહે છે કે-પ્રભુ! તેં દ્રવ્યલિંગી જૈન સાધુપણું એટલી વાર ધારણ કર્યું કે લોકમાં એવો કોઈ ભાગ (ક્ષેત્ર) નથી જેમાં તું અનંતવાર જન્મ્યો અને મર્યો ન હોય. ભગવાન! દ્રવ્યલિંગ ધારણ કરીને પણ રાગને પોતાનું કર્તવ્ય માનીને અજ્ઞાનભાવે તું બંધ જ કરતો હતો. ભગવાન કુંદકુંદાચાર્ય તો એમ કહે છેે કે-મારા પ્રતિ જેને-દ્વેષ થયો છે તેને પણ દ્રવ્યલિંગ ન હજો; કેમકે વસ્તુ અંદર પ્રાપ્ત થઈ ન હોય અને દ્રવ્યલિંગ લેવાઈ જાય પછી મુંઝવણનો પાર રહેતો નથી. દ્રવ્યલિંગી કર્તાબુદ્ધિએ રાગ કરે છે. તે પંચમહાવ્રતને બરાબર પાળે છે પણ એવા રાગને ધર્મ માની કરવાપણાની બુદ્ધિએ તે કરવા પ્રતિ પ્રેરાય છે. આ અજ્ઞાનમય ભાવ જ એને બંધનનું કારણ બને છે.
ભાઈ! આ તો પરમ સત્ય વાતો છે. કુદરતી અહીં આવી ગઈ છે. આ તો ભગવાનના સંદેશા છે. અભ્યાસ નહિ એટલે સાધારણ માણસોને ઝીણું લાગે, પણ ભાઈ! હું જ્ઞાનસ્વરૂપ છું, રાગસ્વરૂપ નથી એવું જેને ભાન નથી, વિવેક નથી તેને વ્યવહારની જે બાહ્યક્રિયાઓનું કરવાપણું છે તે અજ્ઞાનની પ્રેરણાથી છે અને તે બંધનું કારણ બને છે. કર્તાપણે થયેલા સર્વ ભાવો બંધનું જ કારણ છે.
આ વાણિયા માલમાં ભેળસેળપણું નથી કરતા? કાળાં મરી સાથે બપૈયાનાં બીજ ભેળવી દે-એવી ઘણી બધી ભેળસેળ કરે છે ને? તેમ અનાદિથી અજ્ઞાની આત્મા પોતાના જ્ઞાનાનંદસ્વભાવ સાથે પુણ્ય-પાપના પરિણામોની ભેળસેળ કરીને બેઠો છે. પરમાત્મા કહે છે- પ્રભુ! તું નિર્મળાનંદનો નાથ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવથી ભરેલો-એમાં તેં રાગને ભેળવી નાખ્યો! ભગવાન! તને શું થયું આ? અંદર શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયકદેવ વિરાજી રહ્યો છે તેની સાથે અરે! તેં વિભાવને-રાગદ્વેષને પોતાના માનીને ભેળવી દીધા! ભગવાન! તું તો એકલો જ્ઞાનસ્વરૂપ છો ને! તારામાં અનંત આનંદ અને અનંત જ્ઞાન પડયાં છે ને! આવા સ્વરૂપને છોડીને, રાગ મારો એમ માનીને રાગ કરવાની બુદ્ધિ તને