સમયસાર ગાથા-૧૭૧ ] [ ૨૭૩ એટલું બંધન છે એમ કહ્યું, ગણધરદેવને પણ જે રાગ બાકી છે તે બંધનું જ કારણ છે. તીર્થંકરને પણ જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી રાગ છે અને તે રાગ તેમને પણ અવશ્ય બંધનું કારણ છે. ભાઈ! વીતરાગની વાણીમાં જ્યાં જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ.
તીર્થંકર હો કે ગણધર હો, ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી રાગ જરૂર આવે છે. સાધકદશામાં જેટલો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તેટલી જ્ઞાનધારા છે, મુક્તિમાર્ગ છે અને જેટલો રાગ છે તે કર્મધારા છે, જરૂર બંધનું કારણ છે.
જ્ઞાનીને પણ રાગ બંધનું જ કારણ છે. શુભરાગથી કલ્યાણ થશે, પરંપરા મુક્તિ થશે- એવી માન્યતાનો અહીં નિષેધ કરે છે. બંધનું કારણ તે વળી મોક્ષનું કારણ થાય? (ન થાય). જે શુભરાગને મુક્તિનું કારણ માને છે તેની શ્રદ્ધામાં બહુ ફેર છે; તે જીવો મિથ્યાદ્રષ્ટિ છે, જૈન નહીં. તેઓ અનંત સંસારી છે. ભાઈ! દિગંબર ધર્મ કોઈ સંપ્રદાય નથી, વસ્તુનું સ્વરૂપ છે. ભગવાનનો માર્ગ વીતરાગતાનો છે. તેમનો ઉપદેશ તો આ છે કે-જો તારે સુખી થવું હોય તો અમારી સામે જોવાનું છોડ અને અંતરમાં સ્વસન્મુખ જો.
‘ક્ષાયોપશમિક જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે, પછી અવશ્ય અન્ય જ્ઞેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે.’ સ્વરૂપમાં એટલે આનંદના અનુભવમાં ક્ષાયોપશમિક જ્ઞાન અંતર્મુહૂર્ત જ રહી શકે છે. પછી જરૂરથી સ્વથી વિચલિત થઈ પરને અવલંબે છે અને રાગ થાય છે.
‘માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો-યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગનો સદ્ભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય પરિણમનને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.’
અહા! કેટલું સ્પષ્ટ કર્યું છે? સાચા સંત હો કે જ્ઞાની-જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી બંધ છે એમ યથાર્થ જાણવું જોઈએ. દ્રષ્ટિ અપેક્ષાએ જ્ઞાની નિરાસ્રવ હોવા છતાં પરિણતિમાં જે જઘન્ય પરિણમન છે તે અવશ્ય બંધનું કારણ છે.