સંસારી ઉખાડી નાખે, ભવના અંત આવે અને મોક્ષની તૈયારી થાય એની વાત ચાલે છે. જિનવચન, જિનગુરુ પ્રત્યે જે લક્ષ થાય છે એ તો રાગ છે, એ કાંઈ સમકિત નથી. છતાં સમકિત થતાં પહેલાં આવો જ વ્યવહાર હોય છે. વળી જિનબિંબના દર્શનનો પણ ભાવ હોય છે. સમોસરણમાં વીતરાગ અરિહંત પરમાત્મા હોય છે. એવી જ વીતરાગી મૂર્તિ હોય એને જિનબિંબ કહીએ. અન્ય આભૂષણાદિયુક્ત મૂર્તિ તે જિનબિંબ નથી. ભગવાન તો નગ્ન-દિગંબર વીતરાગસ્વરૂપ હોય છે. તેવી જ નગ્ન-દિગંબર વીતરાગી મૂર્તિ તે જિનબિંબ છે. આવા જિનબિંબના દર્શન, ભક્તિ, પૂજા ઈત્યાદિ બાહ્ય વ્યવહાર પ્રવર્તનનો ભાવ સમકિત થયા પહેલાં હોય છે પણ એનાથી નિશ્ચય સમકિત થાય નહીં. નિશ્ચય સમ્યક્ત્વ તો એકમાત્ર અખંડ એક જ્ઞાયકભાવનું અવલંબન થતાં જ થાય છે. વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે એમ કહ્યું ત્યાં તે શુભભાવોની પ્રવૃત્તિથી સમ્યગ્દર્શનનો લાભ થાય છે એમ આશય નથી પણ સમ્યગ્દર્શન થતાં પહેલાં આવા શુભભાવો હોય છે એમ સિદ્ધ કર્યું છે. હવે જેમને શ્રદ્ધા-જ્ઞાન તો થયાં છે, પણ સાક્ષાત્ પ્રાપ્તિ થઈ નથી એવા જીવને પૂર્વકથિત ભાવો જેવા કે જિનવચનો સાંભળવાં, ધારવાં, ગુરુભક્તિ, જિનબિંબદર્શન ઈત્યાદિ હોય છે. ખરેખર તો સમ્યગ્દર્શન થયા પછી જ ઉક્ત ભાવો વ્યવહાર નામને પામે છે. સમ્યગ્દ્રષ્ટિને જ સાચા નય-નિક્ષેપ હોય છે. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને નય-નિક્ષેપ હોતા નથી. અજ્ઞાનીના શુભભાવો તો વ્યવહારાભાસ છે. અહીં કહે છે કે સમ્યગ્દર્શન થયા પછી જ્યાંસુધી પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી આવા ભાવો હોય છે; પણ આવા ભાવોથી નિશ્ચય પામે-એમ નથી. આ તો આવા શુભ વિકલ્પો હોય છે તેમ દર્શાવવું છે. વળી પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચપરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, અને એ રીતે પ્રવર્તનારાઓની સંગતિ કરવી ઈત્યાદિ ભાવો હોય છે. અહીં આલંબન છોડવા માટે એમ કહ્યું છે. પરદ્રવ્ય તો છૂટા પડયા છે, છોડવાના ક્યાં છે? પરદ્રવ્યનું આલંબન છોડવા માટે એટલે તેના તરફનું લક્ષ છોડવા માટે એમ સમજવું. તીવ્ર કષાયના ભાવની નિવૃત્તિ અર્થે આવા અણુવ્રત-મહાવ્રતાદિના શુભ વિકલ્પ હોય છે. પરદ્રવ્યનું ગ્રહવું અને છોડવું એ તો આત્માને છે જ નહીં. ખરેખર તો આત્માએ રાગનો નાશ કર્યો એક કહેવું એ પણ કથનના માત્ર છે. રાગનો નાશ કરવો એ એના સ્વરૂપમાં છે જ નહીં. એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી. એને રાગનો નાશ ર્ક્યો એમ વ્યવહારથી કહેવાય છે. જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર લેવો ઈત્યાદિ શુભ વિકલ્પનો- ઈર્યોભાષાએષણા આદિ સમિતિના પાલનનો વ્યવહાર હોય છે. અશુભથી બચવા મન-