સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૭૯ આત્મા આત્મામાં જ છે. તેવી રીતે ક્રોધ ક્રોધમાં જ છે, આત્મામાં નહિ. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને પંચમહાવ્રતાદિના પરિણામ ઇત્યાદિ વિકાર વિકારમાં છે. આત્મામાં નહિ.
‘વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા હોવાથી તેમને પરમાર્થભૂત આધારઆધેય સંબંધ નથી.’
પહેલાં કહ્યું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે અને ક્રોધાદિ ક્રોધાદિમાં જ છે. હવે કહે છે કે ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન કહેતાં આત્મા નથી, અને આત્મામાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી. જુઓ, આત્માનું પરિણમન-જ્ઞાન-શ્રદ્ધાન-રમણતારૂપ પરિણમન રાગને લઈને, કર્મને લઈને કે નોકર્મને લઈને છે એમ નથી. કર્મ માર્ગ આપે તો જ્ઞાનનું, શ્રદ્ધાનું પરિણમન થાય એમ નથી. આ શરીર, મન, વાણી, ધનસંપત્તિ, કુટુંબ-પરિવાર ઇત્યાદિમાં આત્મા નથી. એમના વડે આત્માને લાભ થાય એમ બીલકુલ નથી. નિયમસારમાં ઉદ્ધૃત એક શ્લોકમાં આવે છે કે-બૈરાં-છોકરાં કુટુંબ-પરિવાર વગેરે ધૂતારાઓની ટોળી આજીવિકા માટે એકઠી મળેલી છે. જુઓને, કોઈ રોગ થયો હોય અને છ મહિના, બાર મહિના લંબાય તો એની ચાકરી કરનાર થાકી જાય એટલે એને અંદર એમ થાય કે-‘ખાટલો ખાલી કરે તો સારું.’ બચવાનો હોય નહિ છતાં લોકલાજે ખર્ચ કરવો પડતો હોય, ડોકટરને બોલાવવા પડતા હોય અને સેવામાં હાજર રહેવું પડતું હોય એટલે અંદરમાં આવો વિચાર ચાલે! જુઓ આ સંસાર! સમજાણું કાંઈ...?
અહીં કહે છે કે ક્રોધાદિ વિકારમાં, કર્મ કે નોકર્મમાં જ્ઞાન-આત્મા નથી અને જ્ઞાનમાં- આત્મામાં ક્રોધાદિ વિકાર, કર્મ કે નોકર્મ નથી. કેમ નથી? તો કહે છે-તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. પુણ્ય-પાપના ભાવને અને આત્માને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. તેવી જ રીતે કર્મ ને શરીરાદિને અને આત્માને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. આત્માનું તો જાણનસ્વરૂપ છે અને ક્રોધાદિનું એનાથી વિરુદ્ધ જડસ્વરૂપ છે. તેથી આત્મામાં રંગ- રાગના ભાવ છે જ નહિ.
શુભરાગને અને ભગવાન આત્માને પરસ્પર અત્યંત વિરોધ છે. માટે જો કોઈ કહે કે રાગની મંદતા કરતાં કરતાં ધર્મ થાય વા વ્યવહારના ક્રિયાકાંડ કરતાં કરતાં નિશ્ચય થાય તો એ યથાર્થ નથી. રાગ વડે આત્મા જણાય એ ત્રણકાળમાં બનવા યોગ્ય નથી. આત્માનું જ્ઞાનસ્વરૂપ અને પુણ્ય-પાપના ભાવનું સ્વરૂપ પરસ્પર અત્યંત વિરુદ્ધ હોવાથી તેમને આધાર-આધેય સંબંધ નથી. આત્માની પરિણતિ આધાર અને રાગાદિ આધેય એમ નથી, વા રાગાદિ આધાર અને જ્ઞાન આધેય એમ પણ નથી. અહો! અમૃતને પાનારાં અમૃતચંદ્રનાં આ અમૃત-વચનો છે.