Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1846 of 4199

 

સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૮પ એવી આ વાત છે. આ સમજ્યા વિના પાંચ-પચાસ લાખના મંદિર બંધાવે તોય શું? શુભરાગ હોય તો પુણ્ય બંધાય, બસ; બાકી મંદિર તો એ (જીવ) કયાં કરી શકે છે? અહીં કહે છે- રાગાદિ આધાર અને આત્મા આધેય એમ પર-આધારઆધેયપણું ભાસતું નથી. તેથી શુદ્ધ નિર્મળ જ્ઞાનની પરિણતિ તે આધાર અને જ્ઞાન-આત્મા આધેય એમ જ નક્કી થાય છે.- સમજાણું કાંઈ...?

વાસણના આધારે ઘી છે કે ઘીના આધારે ઘી છે? કોઈ કહે કે વાસણના આધારે ઘી છે; નહિતર ઘી ઢોળાઈ જાય. અહીં કહે છે-એ વાત તદ્ન ખોટી છે. ઘીના એક એક રજકણમાં આધાર (અધિકરણ) નામનો ગુણ રહેલો છે અને એને લઈને ઘી (ઘીમાં) રહેલું છે, વાસણને લઈને નહિ. તેમ જ્ઞાન જ્ઞાનમાં જ છે.

આ પ્રમાણે (જ્ઞાનનું અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું) ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. રાગની-ક્રોધાદિની ક્રિયા આત્માથી અન્ય વસ્તુ છે, જ્ઞાનની ક્રિયાથી ભિન્ન છે એમ સિદ્ધ થયું.

* ગાથા ૧૮૧ થી ૧૮૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ-એ બધાંય પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી જડ છે; તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે.’

ઉપયોગ એ રાગથી ભિન્ન પડીને અંદરમાં જે પરિણમન થયું તે ચૈતન્યનું પરિણમન છે અને તે આત્મસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ છે. તથા રાગની રુચિરૂપ ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને શરીરાદિ નોકર્મ-એ બધાં પુદ્ગલદ્રવ્યનાં પરિણામ હોવાથી અચેતન જડ છે. કર્મ અને શરીરાદિ તો પ્રત્યક્ષ અચેતન છે જ. અહીં તો રાગની રુચિરૂપ ક્રોધાદિને જડ કહ્યાં છે કેમકે તેમનામાં ચૈતન્યનો અંશ નથી. વળી તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી, બન્નેનાં ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવાથી અત્યંત ભેદ છે.

‘માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી અને ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધારઆધેયસંબંધ નથી.’ મતલબ કે વિકારના આધારે આત્મા પ્રગટે કે આત્માના આધારે વિકાર થાય એમ છે નહિ.

‘દરેક વસ્તુને આધારઆધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે.’ ચૈતન્યના પરિણમનના આધારે આત્મા જણાયો એ પરિણમન આત્મા જ છે, ચૈતન્યમય જ છે અને રાગની રુચિનું-મિથ્યાત્વનું પરિણમન જડ જ છે; દરેકને આધાર- આધેયપણું પોતામાં જ છે.