સમયસાર ગાથા ૧૮૪-૧૮પ ] [ ૩૯૯
અહાહા...! વીતરાગભાવનો રંગ ચઢયો છે ને? રાગના રંગે ચઢેલાને વીતરાગતા દુર્લભ છે અને વીતરાગતાના રંગે ચઢેલાને રાગ દુર્લભ છે. નિયમસારમાં આવે છે કે જ્ઞાનીઓને વિકલ્પ દુર્લભ છે, ધર્માત્માઓને રાગ દુર્લભ છે અને અજ્ઞાનીને વીતરાગપણું દુર્લભ છે. રાગથી ભિન્ન પડી જ્યાં અતીન્દ્રિય આનંદમય આત્માનો અનુભવ થયો, આત્માને જાણ્યો અને ઓળખ્યો અને ત્યારે જે વીતરાગતામય-આનંદમય પરિણમન થયું તે કર્મના ઘેરાવમાં પણ છૂટતું નથી; જો એ છૂટે તો કહે છે સ્વભાવ જ છૂટી જાય અને તો વસ્તુનો જ નાશ થઈ જાય. પણ સ્વભાવ કોઈ દિવસ છૂટે નહિ કારણ કે સત્નો નાશ અસંભવ છે. જુઓ, આ ન્યાય છે. વીતરાગસ્વભાવી પ્રભુ આત્માનાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે સત્ છે. વીતરાગસ્વભાવી સત્તાનું પરિણમન પણ સત્ છે ભાઈ! અને તે અહેતુક છે; દ્રવ્ય-ગુણ પણ એનું કારણ નથી. હવે આમ જ્યાં એની ઉત્પત્તિમાં દ્રવ્ય-ગુણ પણ કારણ નથી ત્યાં જગતના પ્રતિકૂળ સંજોગો એનો નાશ કેવી રીતે કરે? (ન કરી શકે). હવે કહે છે-
‘આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે.’
જ્ઞાની તો જાણે છે કે હું તો સદા જ્ઞાતા-દ્રષ્ટા જાણવા-દેખવાના સ્વભાવે રહેલો છું. પ્રતિકૂળ સંયોગોનો પણ હું તો જાણનાર-દેખનાર માત્ર છું. આ પ્રમાણે જાણતો થકો જ્ઞાની કર્મથી ઘેરાઈ જાય છતાં પરિષહની ભીંસ વચ્ચે પણ ધીરજ ખોઈને રાગ-દ્વેષ-મોહભાવને પ્રાપ્ત થતો નથી, અજ્ઞાનપણે પરિણમતો નથી; શુદ્ધ આત્માને જ અનુભવે છે. ધર્મી રાગી-દ્વેષી થતો નથી એ મિથ્યાત્વપૂર્વકના રાગદ્વેષની વાત છે.
સમાધિશતકમાં આવે છે કે પ્રતિકૂળ સંયોગો આત્માને દુઃખનું કારણ નથી; માટે હે આત્મન્! સહન કરવાની (ભેદજ્ઞાનના અભ્યાસથી ધૈર્ય કેળવવાની) ટેવ પાડ. સુખ-સગવડથી (વિષયોથી) જો તું ટેવાઈ ગયો હોઈશ તો પરિષહની ભીંસમાં અગવડતા આવશે ત્યારે થીજાઈ જઈશ; માટે પ્રતિકૂળતા વખતે પણ સહન-શીલતા કાયમ રહે એવો અભ્યાસ કર. અહો! આચાર્યોએ તો ગજબનાં કામ કર્યા છે! શાતાશીળિયા ન રહેતાં અંતરપુરુષાર્થને પુષ્ટ કરવાની પ્રેરણા કરી છે જેથી સહનશીલતા અને ધૈર્ય કાયમ બની રહે.
હવે કહે છે-‘જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બીલકુલ અનુભવતો નથી.’
જુઓ, જેને ભેદવિજ્ઞાન નથી તે અજ્ઞાની છે. શુભરાગ મારો છે અને એનાથી મને લાભ થશે એવી રાગ સાથેની એકત્વબુદ્ધિના અંધકારથી ઢંકાઈ ગયેલો હોવાથી