સમયસાર ગાથા-૧૮૬ ] [ ૪૧૩ એકાગ્રતા હોય છે એમ કહ્યું છે. આઠમા ગુણસ્થાનથી ઉપયોગની ધારા સ્થિર થાય; જ્યાં ઉપયોગ ગયો ત્યાં રહે, ત્યાંથી નીકળે નહિ એ અપેક્ષાએ ત્યાં ધારાવાહી જ્ઞાન છે.
ધર્મની ધારાના બે પ્રકારઃ-૧. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનવાળાને જે નિર્મળ સમ્યગ્જ્ઞાન પ્રગટયું તે ધારાવાહી છે. ભલે ઉપયોગ રાગમાં-પરમાં જાય પણ અંદર સમ્યગ્દર્શન- જ્ઞાન થયું છે તે ખસતું નથી.
૨. ઉપયોગરૂપ ધારા-નીચેના ગુણસ્થાનવાળાને (ચોથે, પાંચમે આદિ) ઉપયોગ અંદરમાં આવે, અંતર્મુહૂર્ત રહે અને પછી ખસી જાય છે.
આઠમે ગુણસ્થાનેથી ઉપયોગ અંદરમાં આવ્યો તે મુખ્યત્વે ખસી ન જાય પણ શ્રેણી ચઢીને કેવલજ્ઞાનને પામે. આઠમેથી ઉપયોગ ધારાવાહી રહે છે અને તે કેવલજ્ઞાનને પામે છે.
ભાઈ! તારું ખરેખર સ્વરૂપ નિત્યાનંદ ચિદાનંદમય છે. તેમાં એક જ વખત ઉપયોગ લાગે એટલે બસ. પછી ભલે થોડો વખત ઉપયોગ ખસી જાય તોપણ જે સમ્યગ્જ્ઞાન થયું તે તો અખંડ ધારાવાહી રહે છે. (પુરુષાર્થની ઉગ્રતા કરીને તે કેવળજ્ઞાનપણે પરિણમશે જ). આવી વાત છે.