સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૩પ અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે માટે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે. આ કાગળમાં લખતા નથી કે-‘થોડું લખ્યું ઘણું કરીને માનજો’? તેમ આચાર્યદેવે અહીં ટૂંકમાં કહ્યું કે-શુદ્ધ આત્માનો અનુભવ ભેદવિજ્ઞાનથી જ થાય છે, માટે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે. હે ભાઈ! આ થોડું કહ્યું ઘણું કરીને માનજે.
હવે ભેદવિજ્ઞાન કયાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છેઃ-
‘इदम् भेदविज्ञानम्’ આ ભેદવિજ્ઞાન એટલે રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ એવું ભેદજ્ઞાન ‘अच्छिन्न धारया’ અચ્છિન્નધારાથી-તૂટે નહિ-વિક્ષેપ પડે નહિ એ રીતે અખંડ પ્રવાહરૂપે ‘तावत्’ ત્યાંસુધી ‘भावयेत्’ ભાવવું ‘यावत्’ કે જ્યાંસુધી ‘परात्च्युत्वा’ પરભાવોથી છૂટી એટલે રાગથી છૂટી ‘ज्ञानं’ જ્ઞાન ‘ज्ञाने’ જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ) ‘प्रतिष्ठते’ ઠરી જાય. જ્ઞાનની નિર્મળ પર્યાય ધ્રુવ આત્મસ્વરૂપમાં જ ઠરી જાય ત્યાંસુધી ભેદજ્ઞાન ભાવવું. જ્ઞાન જ્ઞાનમાં નિશ્ચલતા પામે નહિ ત્યાંસુધી વ્યવહારરત્નત્રય કરવું એમ નથી કહ્યું; સમજાણું કાઈ...?
હવે આવો માર્ગ સાંભળવા મળે નહિ અને કદાચિત્ સાંભળવા મળે તો સમજાય નહિ એટલે ઘણા લોકોને અજ્ઞાનમાં દયા પાળવી, વ્રત કરવાં ઇત્યાદિ બાહ્ય ક્રિયા સહેલી લાગે છે. પરમાર્થ વચનિકામાં બનારસીદાસે કહ્યું છે કે-‘‘જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે; મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? તે સાંભળોઃ-મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે, અને અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે; તેથી તે એકાન્તપણે આગમઅંગને સાધી તેને મોક્ષમાર્ગ દર્શાવે છે, અધ્યાત્મ-અંગના વ્યવહારને જાણતો નથી. એ મૂઢદ્રષ્ટિનો સ્વભાવ છે. તેને એ પ્રમાણે સૂઝે જ કયાંથી? કારણ કે આગમઅંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ-પ્રમાણ છે તેનું સ્વરૂપ સાધવું સુગમ છે; તે બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત જે અધ્યાત્મરૂપ ક્રિયા તે અંતર્દ્રષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણતો નથી. અંતર્દ્રષ્ટિના અભાવથી અંતઃક્રિયા દ્રષ્ટિગોચર થાય નહિ. તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ મોક્ષમાર્ગ સાધવાને અસમર્થ છે.’’
જુઓ, અધ્યાત્મમાં નિશ્ચય દ્રવ્ય છે અને નિર્મળ પરિણતિ તે વ્યવહાર છે. અંતર્ગર્ભિત અધ્યાત્મની ક્રિયા એટલે રાગથી ભિન્ન આત્માની સ્વભાવપરિણતિરૂપ નિર્મળ ક્રિયા તે અધ્યાત્મનો વ્યવહાર છે. અંતર્દ્રષ્ટિના અભાવે અર્થાત્ ભેદવિજ્ઞાનના અભાવે મિથ્યાદ્રષ્ટિ જીવ ગમે તેટલી બાહ્યક્રિયા કરે તોપણ મોક્ષમાર્ગ સાધી શકતો નથી. તેથી બાહ્યક્રિયાની દ્રષ્ટિ છોડી જ્ઞાન જ્ઞાનમાં-આત્મામાં જ સ્થિત થઈ જાય ત્યાંસુધી ભેદજ્ઞાન ભાવવું એમ ઉપદેશ છે.