૪૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
ઉત્તરઃ– હા, આવે છે; મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે આસ્રવભાવના કારણે જ્ઞાનાવરણીય આદિનો બંધ થાય છે અને તેનો ઉદય આવતાં જ્ઞાનદર્શનનું હીણપણું થાય છે. વળી એવી જ રીતે મિથ્યાત્વરૂપ પરિણમનના કારણે મોહનીયનો બંધ થાય છે. જો કર્મના નિમિત્તપણાથી વાત લઈએ તો ઇચ્છાનુસાર ન બનવું તે અંતરાય કર્મના કારણે, સુખદુઃખનાં કારણો મળવાં તે વેદનીય કર્મના કારણે, શરીરનો સંબંધ રહેવો તે આયુકર્મના કારણે, ગતિ, જાતિ આદિની પ્રાપ્તિ થવી તે નામકર્મના કારણે ઇત્યાદિ. પણ આ તો બધાં નિમિત્તનું જ્ઞાન કરાવનારાં નિમિત્તની મુખ્યતાથી કરેલાં કથન છે. ખરેખર તો પોતાની હીણી દશાનો કાળ છે તેથી હીણી દશા થાય છે, કર્મથી-નિમિત્તથી હીણી દશા થાય છે એમ નથી.
અહીં કહે છે-જે કોઈ બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી અર્થાત્ આસ્રવભાવથી બંધાયા છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય અનાકુળ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. આવા આત્માને પુણ્ય-પાપના ભાવ વડે પર્યાયમાં બંધ થાય છે. આ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો ભાવ બધો રાગ છે, આસ્રવ છે, વિકાર છે, વિભાવ છે અને એ જ બંધ છે, એક આત્મજ્ઞાન જ અબંધ છે.
સંસારમાં જીવ રખડે છે કેમ? અને તેની મુક્તિ કેમ થાય?-એની ટૂંકામાં આ કળશમાં વાત કરી છે. કહે છે-ભેદજ્ઞાનના અભાવથી અર્થાત્ રાગની એકતાબુદ્ધિ સહિત પરિણમનથી જીવો અનાદિથી બંધાયા છે અને જે કોઈ સિદ્ધ થયા છે તે બધા ભેદજ્ઞાનથી જ થયા છે. ‘किल’ શબ્દ પડયો છે ને? એટલે નિશ્ચયથી બંધાવામાં અને મુક્ત થવામાં અનુક્રમે ભેદવિજ્ઞાનનો અભાવ અને સદ્ભાવ જ કારણ છે. જે કોઈ નિગોદાદિના જીવો અત્યાર સુધી નિશ્ચયથી બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે, કર્મથી બંધાયા છે એમ નહિ. નિગોદના જીવ પણ કર્મનું જોર છે તેથી રોકાયા છે એમ નથી. ગોમ્મટસારમાં (ગાથા ૧૯૭ માં) આવે છે કે નિગોદના જીવો પ્રચુર ભાવકર્મકલંકને લઈને નિગોદમાં રહ્યાછે. ભાઈ! નિમિત્ત છે ખરું, પણ નિમિત્ત કાંઈ પરમાં કરે છે એ વાત મિથ્યા છે; નિમિત્ત જો કરે તો તે ઉપાદાન થઈ જાય. નિગોદના જીવને વિકારની પ્રવૃત્તિ સ્વયં એના ક્રમમાં છે અને નિમિત્તની ઉપસ્થિતિ સ્વયં એના ક્રમમાં છે. (કોઈ કોઈનાથી છે એમ છે જ નહિ). સમજાણું કાંઈ...?
કેટલાક લોકોને નિમિત્ત-ઉપાદાન, નિશ્ચય-વ્યવહાર અને ક્રમબદ્ધ સંબંધી અહીંની પ્રરૂપણા વિરુદ્ધ વાંધા છે. ભાઈ! જે કાળે દ્રવ્યની જે પર્યાય થવાની હોય તે ક્રમબદ્ધ તેના કાળે જ થાય છે. નિમિત્ત આવ્યું માટે થાય છે એમ નથી. છતાં જો કોઈ એમ માને છે કે નિમિત્ત આવ્યું માટે પરદ્રવ્યની પર્યાય થઈ તો તેના એવા નિર્ણયમાં ભેદજ્ઞાનનો અભાવ છે, કેમકે એ જીવ તો રાગની નિમિત્તની એકતામાં પડયો છે, પણ રાગથી-પરથી ભિન્ન પડયો નથી. તેથી નિમિત્તથી પરમાં કાર્ય થાય છે એમ જેની