Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1971 of 4199

 

પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ પોતાની પર્યાય તો પોતાના (અશુદ્ધ) ઉપાદાનથી થઈ છે, અને એમાં દ્રવ્યાસ્રવ-કર્મ નિમિત્ત માત્ર છે; ત્યાં એમ નથી કે કર્મનો ઉદય થયો માટે પર્યાયમાં આસ્રવભાવ થયો છે, સમજાણું કાંઈ...? (દ્રવ્યાસ્રવ જીવના ભાવાસ્રવમાં નિમિત્ત છે, પણ તે જીવને ભાવાસ્રવ કરાવી દે છે એમ નથી).

પ્રશ્નઃ– પરંતુ કર્મના ઉદયના કારણે શુભભાવ આદિ આસ્રવભાવ થાય છે એમ શાસ્ત્રમાં આવે છે ને?

ઉત્તરઃ– હા, પણ એ તો નિમિત્તની વિવક્ષાથી કથન છે. એ શુભભાવ તો જીવની પોતાની ભાવમંદ થવાની લાયકાત હતી તેથી થયો છે. તે તે કાળે એવી જ પર્યાયની પોતાની લાયકાત છે; તે તે કાળે શુભભાવના ષટ્કારકપણે થવું તે પર્યાયનો સ્વકાળ છે. અહીં કહે છે-જ્ઞાનીને તે હેયપણે વર્તે છે.

અહીં કહ્યું ને કે-સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે જ્ઞાની સ્વ- પરને ભિન્ન જાણીને સ્વમાં રમે છે અને પરથી વિરમે છે. અહા! અસ્તિમાં સ્વને પકડવો અને રાગની નાસ્તિ-અભાવ કરવો, રાગની ઉપેક્ષા કરી તેના અભાવપણે વર્તવું -એ વિધિ છે. અજ્ઞાનીની વિધિ કરતાં આ તદ્ન જુદી જાતની વિધિ છે. ભગવાન! હજુ તને માર્ગની ખબર નથી! દીપચંદજી ‘ભાવદીપિકા’માં લખી ગયા છે કે-અત્યારે આગમ પ્રમાણે શ્રદ્ધાવાન કોઈને હું જોતો નથી અને સત્યને કહેનારો કોઈ વક્તા પણ દેખાતો નથી. વળી મોઢે કહીએ છીએ તે કોઈ માનતું નથી તેથી આ લખી જાઉં છું. જુઓ વર્તમાન મૂઢતા! મોક્ષમાર્ગ પ્રકાશકમાં શ્રી ટોડરમલજી સાહેબે લખ્યું છે કે-જેમ વર્તમાનમાં હંસ દેખાતા નથી તેથી શું કાગડા આદિ અન્ય પક્ષીઓને હંસ મનાય? ન મનાય. તેમ વર્તમાન ક્ષેત્રમાં કોઈ સાધુ દેખાતા નથી તેથી શું વેશધારીઓમાં મુનિપણું માની લેવાય? ન માની લેવાય. જેમ હંસને સર્વકાળે લક્ષણ વડે જ માનીએ તેમ સાધુને પણ સર્વત્ર લક્ષણ વડે જ માનવા યોગ્ય છે. સાધુના જે લક્ષણ છે તેના વડે જોશો તો સાધુપણું યથાર્થ જણાશે.

પ્રશ્નઃ– રાગનો ત્યાગ જ્ઞાનીને છે, પરંતુ કર્મમાં ઉદય મંદ થયો છે માટે રાગનો ત્યાગ તેને થાય છે ને?

ઉત્તરઃ– એમ નથી, ભાઈ! કર્મમાં તો ઉદય ગમે તેવો હો, પણ સ્વરૂપનું ગ્રહણ થતાં રાગનો ત્યાગ થાય છે. ભાઈ! આ તો અધ્યાત્મના શબ્દો છે. ત્રણલોકના નાથને હલાવી નાખ્યો છે! કહે છે-જાગ રે જાગ નાથ! અનંતકાળ ઘણા ઘેનમાં ગાળ્‌યો છે, હવે નિંદર પાલવે નહિ, હવે ભગવાનને-નિજસ્વરૂપને ગ્રહણ કર. સ્વરૂપને ગ્રહણ કર એટલે કે પોતે શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે તેનો આશ્રય કર અને રાગનો આશ્રય છોડી દે, રાગનો અભાવ કર. આ પ્રમાણે રાગનો ત્યાગ તે ત્યાગ