Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2011 of 4199

 

૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ શ્રી અમૃતચંદ્રાચાર્યનો છે તેમાં પણ આ જ કહ્યું છે. ભલો જાણી રાગનું આચરણ કરે અને માને કે-હું સમ્યગ્દ્રષ્ટિ છું, પણ એ સમ્યગ્દ્રષ્ટિ નથી. સમકિતી તો રાગથી વિરત્ત થવાની ભાવનાવાળો રાગને રોગ સમાન જ જાણે છે. સમકિતી રાગના આચરણમાં ધર્મ માનતો નથી. હવે કહે છે-

(રાગ-રોગની) ‘પીડા સહી શકાતી નથી તેથી તેમનો ઈલાજ કરવારૂપે પ્રવર્તે છે તોપણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી; કારણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે અને તે મટવું પણ પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે.’

સમકિતીને વિષયવાસના પણ થઈ આવે છે અને તેના ઈલાજરૂપે તે વિષયભોગમાં પણ જોડાય છે, પણ તેને એની રુચિ નથી. તે તો એને રોગ જાણે છે તો એની રુચિ કેમ હોય? કાળો નાગ દેખી જેમ કોઈ ભાગે તેમ તે એનાથી-અશુભરાગથી ભાગવા માગે છે. તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે. તે તો અશુભરાગની જેમ શુભરાગને પણ મટાડવાનો જ ઉપાય કરે છે. વળી સર્વ રાગનું મટવું તે પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે. શુભ પરિણામ અશુભને મટાડવાનું સાધન છે એમ નહિ પણ પોતાના નિર્મળ જ્ઞાનમય વીતરાગી પરિણમનથી જ સર્વ રાગ મટવાયોગ્ય છે એમ તે યથાર્થ માને છે. અજ્ઞાનીને જેમ વિષયભોગમાં મજા આવે છે તેમ જ્ઞાનીને વિષયભોગમાં કે શુભરાગમાં મજા નથી. તે તો સર્વ રાગને મટાડવાનો જ ઉપાય કરે છે અને શુદ્ધ ચૈતન્યના આશ્રયે ક્રમશઃ મટાડતો જાય છે. કહે છે-‘આ રીતે સમ્યગ્દ્રષ્ટિને રાગ નથી. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદ્રષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું.’

હવે કહે છે-‘અહીં મિથ્યાત્વસહિત રાગને જ રાગ કહ્યો છે.’ શું કહ્યું? કે કોઈ વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ચરણાનુયોગ અનુસાર શુભાચરણ કરતો હોય પણ જો એને એ શુભરાગમાં રુચિ છે, આત્મબુદ્ધિ છે, વા એનાથી મારું ભલું થશે એવી માન્યતા છે તો તે મિથ્યાદ્રષ્ટિ છે અને એના મિથ્યાત્વસહિતના રાગને જ રાગ કહ્યો છે. ભગવાન આત્મા ત્રિકાળ વીતરાગસ્વરૂપ છે. હવે જેની રુચિમાં વીતરાગસ્વરૂપ આત્માનું પોસાણ નથી પણ રાગનું અને પરદ્રવ્યનું જ પોસાણ છે અર્થાત્ રાગ ભલો છે-એમ રાગનું જ જેને પોસાણ છે તે મિથ્યાદ્રષ્ટિ છે અને એના રાગને જ અહીં રાગ કહ્યો છે.

પ્રશ્નઃ– પરંતુ શુભભાવને અશુભભાવની અપેક્ષાએ તો ઠીક કહેવાય ને? ઉત્તરઃ– પણ એ કયારે? સમકિત થાય ત્યારે. તોપણ બંધની અપેક્ષાએ તો બન્ને નિશ્ચયથી બંધના જ કારણરૂપ છે. સમકિતીને વ્યવહારની અપેક્ષાએ તીવ્ર કષાયની સરખામણીએ મંદકષાયને ઠીક-ભલો કહેવાય છે, પણ છે તો નિશ્ચયથી બંધનું જ કારણ. જેણે મંદકષાયને પણ નિશ્ચયે બંધનું કારણ જાણ્યું છે એવા સમકિતીને મંદકષાય-શુભરાગ ઉપચારથી ભલો કહેવામાં આવ્યો છે.