Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2013 of 4199

 

૧૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભગવાન જ્ઞાયકના પડખે ચઢયો જ નથી અને જે રાગના જ પડખે ચઢેલો છે તેના રાગને જ રાગ કહ્યો છે.

અરેરે! અનાદિથી ૮૪ના અવતારમાં અશરણદશામાં પડેલા એણે પરમ શરણભૂત પોતાની ત્રિકાળ જ્ઞાનાનંદમય ચીજ કોઈ દિ’ જોઈ નહિ! જેનું શરણ લેતાં શરણ મળે, આનંદ થાય એનું શરણ લીધું નહિ અને વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ અશરણરૂપ ભાવોના શરણે જતાં તે મિથ્યાદ્રષ્ટિ જ રહ્યો. તેનું વીર્ય શુભાશુભ રાગમાં જ એકત્વપણે ઉલ્લસિત થતું રહ્યું કેમકે તેને રાગમાં મીઠાશ હતી. અહીં આવા અજ્ઞાનીના રાગને જ રાગ કહ્યો છે કેમકે તે દીર્ઘ સંસારનું કારણ છે. જ્યારે જે સ્વરૂપના આશ્રયે-શરણમાં રહેલો છે એવા સમકિતીને ભલે અસ્થિરતાનો કિંચિત્ રાગ હોય પણ તેને અહીં ગણ્યો નથી કેમકે તેનું વીર્ય રાગમાં ઉલ્લસિત-પ્રફુલ્લિત નથી અને તે દીર્ઘ સંસારનું કારણ નથી. આવી વ્યાખ્યા છે!

એકલો આનંદકંદસ્વરૂપ પ્રભુ આત્મા પરમાત્મા છે. ભાઈ! ભગવાનને જે પરમાત્મપર્યાય પ્રગટ થઈ તે કયાંથી થઈ? અંદર જે અનંતી ત્રિકાળી પરમાત્મશક્તિ પડેલી છે તે પ્રગટ થઈ છે. આવી પરમાત્મશક્તિની-જ્ઞાનાનંદસ્વભાવની જેને રુચિ થઈ છે અને રાગની રુચિ છૂટી ગઈ છે તે તે સમકિતી ધર્માત્મા છે. અહીં કહે છે-આવા ધર્માત્માના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન-વૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે. અહાહા...! જેને અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે, જેને પોતાના ત્રિકાળી પરમાત્માના ભેટા થયા છે તેને સ્વરૂપની પૂર્ણતાની પ્રતીતિનું જ્ઞાન અને રાગના નિવર્તનરૂપ વૈરાગ્ય જરૂર હોય જ છે. ધર્મીને નિરાકુળ આનંદના સ્વાદની રુચિ ખસતી નથી અને તેને જે રાગ આવે તેની રુચિ થતી નથી. તેને તો રાગ ઝેર જેવો લાગે છે. જેને રાગમાં હોંશ-મઝા આવે છે એ તો મિથ્યાદ્રષ્ટિ છે. આવો માર્ગ છે બાપા! બહુ ઝીણો માર્ગ ભાઈ! દુનિયા તો કયાંય (રાગમાં) રઝળે-રખડે છે અને વસ્તુ તો કયાંય રહી ગઈ છે! પરંતુ આનંદનું નિધાન ભગવાન આત્માનો આશ્રય લીધા વિના જે કાંઈ વ્રત, તપ, ભક્તિ આદિ કરવામાં આવે છે તે બધાય રાગાદિનું ફળ સંસાર જ છે. આવી વાત છે.

ધર્મીને-સમ્યગ્દ્રષ્ટિને અર્થાત્ સમ્યક્ નામ સત્યદ્રષ્ટિવંતને જ્ઞાન અને વૈરાગ્ય હોય જ છે. સત્ય એટલે ત્રિકાળી નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માની જેને દ્રષ્ટિ થઈ છે તેને નિમિત્તની, રાગની કે એક સમયની પર્યાયની દ્રષ્ટિ રહેતી નથી. તેથી તેને સ્વસ્વરૂપનું જ્ઞાન અને રાગ-અશુદ્ધિના અભાવરૂપ વૈરાગ્ય અવશ્ય હોય જ છે. જુઓ, છ ખંડના રાજ્યના વૈભવમાં સમકિતી ચક્રવર્તી પડયો હોય તોપણ તેને જ્ઞાન અને વૈરાગ્ય નિરંતર એકીસાથે હોય જ છે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી હતા. તેઓ ક્ષાયિક સમકિતી હતા. તેમને ૯૬ કરોડ પાયદળ, ૯૬ કરોડ ગામ અને ૯૬ હજાર રાણીઓ